વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be water cut in Rander Athwa zone due to the work of connecting a new line to water works

![]()
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રાંદેર વોટર વર્કસના જુની નળીકા બદલી નવી નળીકા જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ કામગીરી 24 કલાક સુધી ચાલશે તેના કારણે આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ રાંદેર- અઠવા ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે, આ પાણી કાપની અસર રાંદેર – અઠવા વિસ્તારમાં રહેતા દસેક લાખ લોકોને થશે.
સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વોટર વર્કસ ખાતે 160 એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં ફિલ્ટર માંથી નીકળતી ટ્રીટેડ વોટર લાઈન સાથેનું જોડાણ કરવાની કામગીરી તથા હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી માં ઇનલેટ જોડાણની કામગીરી કરવાની આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરી 24 કલાક ચાલશે જેના કારણે રાંદેરના અનેક વિસ્તારમાં પાણીનો કાપ રહેશે. 4 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે પાણી પુરવઠો બંધ રહેશે.
જેના કારણે રાંદેર અને અઠવા ઝોનમાં રહેતા દસેક લાખ વસ્તી છે તેઓને એક દિવસ માટે પાણી પુરવઠો મળશે નહીં. તેથી આ વિસ્તારમાં રહેતા લોકોને જરૂરિયાત મુજબ પાણી પુરવઠાનો સંગ્રહ કરવા તથા કરકસર પૂર્વક પાણીનો વપરાશ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.
4 અને 5 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળે
રાંદેર ઝોન: બુધવારે પાણી પુરવઠો નહી મળે
એલ.પી.સવાણી રોડની બંને તરફનો વિસ્તાર, ટી.પી.-31 અને 32 (અડાજણ), પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર, કબુતર સર્કલ થી પાલ પાટીયા-રાજહંસ કેમ્પસ, મોનાર્ક થી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર, ઇસ્કોન મંદિર રોડ, પાલ ગામ ભેંસાણ પાલનપુર ગામ તથા આસપાસના વિસ્તાર, ગૌરવપથ રોડ પાલનપુર વિસ્તાર, રોયલ પ્લેટીનીયમ થી ગણેશ કૃપા સોસાયટી પાલનપુર કેનાલ રોડ, પાલનપુર પાટીયા નો પાર્ટ વિસ્તાર, રાંદેર ગામતળ, ગોરાટ રોડ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, મોરાભાગળ, રામનગર, તેમજ સમગ્ર રાંદેર ઝોન વિસ્તાર
અઠવા ઝોન: ગુરુવારે પાણી પુરવઠો નહી મળે
અઠવાગેટ, લાલ બંગલો, ઘોડદોડ રોડ, ભટાર રોડ તથા આજુબાજુની સોસાયટીઓમાં સવારે 5:00થી 8:00 દરમિયાન પાણી પુરવઠો ઉપરાંત સીટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિાણ ગુજરાત યુનિવર્સીટી, એસ.વી.એન.આઈ.ટી. કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 8:30થી 12:30 દરમિયાન અપાતો પાણી પુરવઠો નહીં મળે.
ગુરુવારે રાંદેર ઝોનના આ વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળે
પૂજા ફલેટસથી સંત તુકારામ વિભાગ 2 તથા 6, પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર, ઝગડીયા ચોકડી થી ગિરધર નગર થી ટ્વીન ટાવર થી સિદ્ધિ વિનાયક રેસીડેન્સી સુધીના રોડની બંને બાજુ નો વિસ્તાર, હેપ્પી હોમ્સ, SMC આવાસ વિગેરેને સંલગ્ન તમામ વિસ્તાર પાલ-પાલનપુર યોજના અંતર્ગત ESR- 4માંથી વિભાગીય ધોરણે સવારે 9:00 વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠો નહી મળે.
અડાજણ ગામતળ, અડાજણ પાટીયા, આનંદ મહલ રોડ, હનીપાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઈમ આર્કેડ, પાલનપુર પાટીયા નો પાર્ટ વિસ્તાર, તાડવાડી, પાલનપુર જકાતનાકા માં સવારે 6:30 થી 9:30 વાગ્યા દરમિયાન અપાતો પાણી પુરવઠો નહીં મળે.


