બલુચિસ્તાનમાં બગાવત : બલુચ વિદ્રોહીઓના પાક. સેના પર ભીષણ હુમલા : ચારે તરફ ગોળીબાર | Rebellion in Balochistan: Baloch rebels launch fierce attacks on Pak army: Firing all around

![]()
– ક્વેટાથી ગ્વાડર સુધી ખૂંખાર યુદ્ધ
– બલુચ લિબરેશન – આર્મી (BLA) નાં ‘ઓપરેશન હેરોફ-૨’એ સમગ્ર બલુચિસ્તાન પ્રાંતને જ યુદ્ધ ભૂમિમાં ફેરવી નાખ્યો છે
ઇસ્લામાબાદ/ નવી દિલ્હી : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે. બલુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.)એ ‘ઓપરેશન હેરોફ ૨.૦’ની ઘોષણા કરી દીધી છે. સમગ્ર પ્રાંત જ હવે યુદ્ધ ભૂમિ બની ગયો છે. છેલ્લા પાંચ કલાકમાં બલુચિસ્તાનનાં ૧૨ મોટાં શહેરોમાં ભીષણ હુમલા, ગોળીબારી, વિસ્ફોટ અને પોલીસ મથકો પર કબ્જા જમાવવાની ઘટનાઓએ તે સમગ્ર પ્રાંતમાં ગૃહ-યુદ્ધની સ્થિતિ ઉભી કરી દીધી છે. સૌથી વધુ અસર તો પ્રાંતીય મુખ્ય-મથક ક્વેટામાં થઈ છે. શહેરમાં સતત ગોળીબારી અને બોમ્બ વિસ્ફોટોના અવાજો સંભળાય છે.
બળવાખોરોએ સરિયાલ ન્યૂ પોલીસ સ્ટેશન અને ઇસ્ટર્ન બાયપાસ પોલીસ સ્ટેશન ઉપર કબ્જો કરી દીધો છે આ પછી બલુચિસ્તાનની તમામ હોસ્પિટલોમાં ‘આપાતકાલ’ (ઇમર્જન્સી) જાહેર કરી દેવામાં આવી છે. એગ્રીકલ્ચર કોલોની સ્થિત સૈન્ય શિબિર પાસે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટર્સ સતત ચકરાવા લઈ રહ્યા છે.
નરસીહાબાદ અને નુશ્કીમાં તો સ્થિતિ ઘણી વધુ ગંભીર બની છે. નરસીહાબાદ શહેર ઉપર બી.એલ.એ. એ કબ્જો કરી લીધો છે તેમ કહેવાય છે કે ત્યાં આઇ.એસ.આઇ.ના મુખ્ય મથક અને સેનાના કેમ્પ ઉપર ભારે ગોળીબારી થઈ રહી છે. નુશ્કીમાં બળવાખોરોએ સીટીડીના આઠ કર્મચારીઓને મારી નાખ્યા હતા અને સેન્ટ્રલ જેલ ઉપર હુમલો કરી કેદીઓને મુક્ત કરી દીધા હતા.
ગ્વાદરમાં ભીષણ હુમલા :
અરબી સમુદ્ર પર રહેલા મહત્ત્વના કુદરતી બંદર પર હુમલા થઈ રહ્યા છે ત્યાં જાસૂસી એજન્સીના ‘હેડ ક્વાર્ટર’ તથા સ્થાનિક પી.સી. હોટેલ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે. પસનીમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ ઉપર વિસ્ફોટક ભરેલુ વાહન ફરી વળ્યું હતું. કોસ્ટલ હાઇવેને પણ બળવાખોરોએ નિશાન બનાવ્યો તે પહેલાં તો કોસ્ટ ગાર્ડ કેમ્પમાં તેઓ ઘૂસી ગયા હતા. કોસ્ટલ હાઇવે ઉપર બળવાખોરોના કબ્જાથી સેનાની આવનજાવન રોકાઈ ગઈ છે. તટીય ક્ષેત્રનો સંપર્ક તૂટી ગયો છે.
બલુચિસ્તાનમાં રેલવે સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રખાઈ છે કેટલાય શહેરોમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ક્વાન, મસુંગ, દાલબંદીત, ખારાત, તુમખ અને બુલેદામાં પણ તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તુમખમાંથી તો સલામતી દળો પાછાં હઠી રહ્યા હોવાના સમાચારો મળ્યા છે.
બળવાખોરોના ૩ યુનિટ્સ ખતરનાક છે (૧) મજીદ બ્રિગેડ (ફીદાયીન યુનિટ), (૨) ફત્તેહ સ્કવોડ (શહેરી કબ્જા માટેનું એકમ) અને (૩) એસ.ટી.ઓ.એસ. (સ્પેશ્ય ટેક્નિકલ ઓપરેશન સ્કવોડ)
આ બળવાખોર એકમોને દબાવી શકાતા નથી અત્યારે તો બલુચિસ્તાન દેશ સાથે કોઈ સંપર્કમાં જ નથી તેમને દબાવવા સલામતી દળો મથી રહ્યાં છે પરંતુ સફળ થતા નથી.
બલુચોનો સૌથી મોટો વાંધો તેમના દેશમાંથી દુર્લભ ખનિજો લઈ જઈ અમેરિકા કે ચીનને વેચવા સામે છે. ચીનાઓની ચાલી રહેલી જોહુકમી સામે વાંધો છે. ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર જે ક્વેટાથી ગ્વાદર સુધી જાય છે તે ધોરીમાર્ગ પણ બંધ છે. ગ્વાડરમાં બંદરના નવીનીકરણમાં વ્યસ્ત ચીનાઓ ફસાઈ ગયા છે.


