મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anandnagar woman murder step son property dispute

![]()
Ahmedabad News : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રોપડા તળાવ પાસેના એક કામચલાઉ આવાસમાં નાણાં અને ગીરો મુકેલી મિલકતના વિવાદમાં 50 વર્ષીય મહિલાની તેના સાવકા પુત્ર દ્વારા કથિત રીતે માર મારીને હત્યા કરવામાં આવી છે.
કપિલા બેન ચુનારા નામની મહિલાની હત્યા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ કપિલાબેન ચુનારા તરીકે થઈ છે. શુક્રવારે રાત્રે તેમના પર લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે જીવલેણ સાબિત થઈ હતી. આનંદનગર પોલીસે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારાની ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી છે.
શાકભાજીની રેકડી ચલાવી કરે છે પરિવારનું ગુજરાન
પોલીસના જણાવ્યા અનુસાર, કપિલાબેનની પુત્રી ગીતાબેન ચુનારા (27) શાકભાજી વેચવાનું કામ કરે છે, તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કપિલાબેને તેમના પ્રથમ પતિના અવસાન બાદ લગભગ 20 વર્ષ પહેલા મુકેશભાઈ ચુનારા સાથે બીજા લગ્ન કર્યા હતા.મુકેશભાઈને તેમના પ્રથમ લગ્નથી બે પુત્રો છે, જેમાં આરોપી દેવેન્દ્રનો સમાવેશ થાય છે. આરોપી અવારનવાર ઘરે આવીને આર્થિક બાબતો અને મકરબામાં ગીરો મુકેલા મકાનને છોડાવવા માટે પૈસાની માંગણી કરી કપિલાબેન સાથે ઝઘડો કરતો હતો.
હત્યાનો ઘટનાક્રમ
ફરિયાદી ગીતાબેને જણાવ્યું કે, માર્ચ 2025 માં તેના પતિના અવસાન બાદ તે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે માતાના ઘરે રહેવા આવી હતી. દેવેન્દ્ર સતત પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતો હતો. શુક્રવારે રાત્રે દેવેન્દ્ર ફરી ઘરે આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન તેણે કપિલાબેન પર લાકડાના ડંડાથી હુમલો કર્યો અને તેમના માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
ડોક્ટરે મૃત જાહેર કર્યા
બૂમાબૂમ સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા હતા. કપિલાબેનના પતિ મુકેશભાઈએ 108 ઇમરજન્સી સેવાને બોલાવી હતી, ત્યારબાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મિલ્કત વિવાદમાં હત્યા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલતા મિલકત વિવાદને કારણે આ હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.” પોલીસે મિલકતના વિવાદ અને હત્યાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવા માટે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.


