दुनिया

રોટલો કમાવા ગયેલા 200 જીવ પથ્થરો નીચે દટાયા, કાંગોમાં ભેખડ ધસી પડતાં મોટી દુર્ઘટના | congo landslide rubaya mine collapse deaths




Major Accident In Eastern Congo : પૂર્વી કાંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં એક ખૂબ જ મોટી અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. અહીં રુબાયા કોલ્ટન (કોલંબાઈટ-ટેન્ટલાઈટ) ખાણ વિસ્તારમાં ભૂસ્ખલન થવાને કારણે અનેક ખાણો ધરાશાયી થઈ ગઈ છે. જેમાં હજારો લોકો દટાયા હોવાની આશંકા છે ઉપરાંત 200 કરતા વધારે લોકોના મોત થયાની પૃષ્ટિ થઇ છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

ગવર્નરે મૃત્યુઆંક 200 હોવાનું જણાવ્યું

M23 વિદ્રોહી જૂથ દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કંબેરે મુયિસાએ જણાવ્યું કે, આ ઘટના બુધવારે (28 જાન્યુઆરી) ભારે વરસાદને કારણે બની હતી. મુયિસાએ ઉમેર્યું, “હાલમાં 200થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી કેટલાક હજુ પણ કાદવમાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢી શકાયા નથી.” પીડિતોમાં ખાણિયાઓ, બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે.

M23 વિદ્રોહીઓના કબજામાં છે આ ખાણો

લગભગ 20 જેટલા ઘાયલોની સારવાર સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહી છે, અને શનિવારે તેમને એમ્બ્યુલન્સ દ્વારા નજીકના શહેર ગોમામાં લઈ જવામાં આવશે. ગવર્નરના એક સલાહકારે નામ ન આપવાની શરતે મૃત્યુઆંક 227 હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રુબાયા ખાણો M23 વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળ છે.આ વિદ્રોહીઓએ એપ્રિલ 2024 થી આ વિસ્તાર પર કબજો જમાવેલો છે. આ વિસ્તાર વિશ્વના કુલ કોલ્ટન ઉત્પાદનનો લગભગ 15% હિસ્સો ધરાવે છે. આ ખનીજ સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય અદ્યતન ટેકનોલોજીમાં વપરાતા ટેન્ટલમ માટે અત્યંત મહત્વનું છે. અહીં નાની નાની ખાણો આવેલી છે, જ્યાં મજૂરો હાથથી ખોદકામ કરે છે અને દિવસના થોડા ડોલર કમાય છે.

ઘટના બાદ ખનન પર પ્રતિબંધ

M23 દ્વારા નિયુક્ત ગવર્નરે ઘટનાસ્થળે નાના પાયે થતા ખનન પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે અને ખાણની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને અન્યત્ર ખસેડવાનો આદેશ આપ્યો છે.

કોંગોમાં અનેક વિસ્તાર વિદ્રોહીઓ પાસે

પૂર્વી કાંગો દાયકાઓથી હિંસાનો ભોગ બનેલું છે, જ્યાં સરકારી દળો, રવાન્ડા સમર્થિત M23 અને અન્ય સશસ્ત્ર જૂથો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. આ પ્રદેશ ખનીજથી સમૃદ્ધ હોવા છતાં, સુરક્ષાનો અભાવ અને ચોમાસામાં ભૂસ્ખલન જેવી આપત્તિઓ અહીં સામાન્ય છે. આ દુર્ઘટના માનવીય કટોકટીને વધુ ઘેરી બનાવે છે, જ્યાં ખાણિયાઓની સુરક્ષાની સતત અવગણના કરવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button