મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ | Sunetra Pawar Takes Oath as Maharashtra Deputy Chief Minister in Presence of Fadnavis

![]()
Sunetra Pawar Takes Oath as Maharashtra Deputy Chief Minister : દિવંગત નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર દેવવ્રતે આજે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા અન્ય નેતાઓ શપથવિધિમાં હાજર રહ્યા હતા. સુનેત્રા પવારની શપથવિધિ દરમિયાન NCP નેતાઓએ ‘અજિત દાદા અમર રહે.. રહે…’ના નારા લગાવ્યા હતા.
અજિત દાદાના સપનાઓને પૂરા કરશે: PM મોદી
વડાપ્રધાન મોદીએ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા આપી. તેમણે X પર લખ્યું કે, ‘મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરનારી સુનેત્રા પવારને શુભેચ્છાઓ. તેઓ આ પદને સંભાળનારી પહેલી મહિલા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ રાજ્યની જનતાના કલ્યાણ માટે અથાક પરિશ્રમ કરશે અને દિવંગત અજિત દાદા પવારના સપનાઓને સાકાર કરશે.’
સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ પદ પરથી આપ્યું રાજીનામું
સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે પોતાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
શનિવારે વિધાન ભવન ખાતે એનસીપીના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરિષ્ઠ નેતા દિલીપ વલસે પાટીલે ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ટેકો આપ્યો હતો. NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.



