વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસના દરોડા: દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો | MS University Hostel Under Scanner After Police Find Liquor and Drugs in Vadodara

![]()
Vadodara News: વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં સયાજીગંજ પોલીસે પાડેલા દરોડામાં દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થનો સામાન મળતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ હોસ્ટેલ પ્રશાસન અને સિક્યુરિટીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યાં છે.
સયાજીગંજ પોલીસનું ‘ઓપરેશન હોસ્ટેલ’
લાંબા સમયથી હોસ્ટેલના રૂમોમાં દારૂની મહેફિલો જામતી હોવાની માહિતી સયાજીગંજ પોલીસને મળી હતી. આ શંકાના આધારે પોલીસે હોસ્ટેલના એમ.એમ. હોલમાં ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 25થી 30 દારૂની ખાલી બોટલો અને 1 ભરેલી વિદેશી દારૂની બોટલ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં સિગરેટના ખાલી પેકેટો અને અન્ય નશીલા પદાર્થોની વસ્તુંઓ મળી હતી.
આ પણ વાંચો: વડોદરા નજીક જાંબુઆ હાઇવે પર કપાસ ભરેલી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી
સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા
યુનિવર્સિટી કેમ્પસમાં કડક સુરક્ષા હોવાના દાવા વચ્ચે દારૂ ખાલીની બોટલો અંદર કેવી રીતે પહોંચી? આ મામલે હોસ્ટેલના વોર્ડન અને સિક્યુરિટી ગાર્ડ્સની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસના દરોડા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
હોસ્ટેલના ચીફ વોર્ડને જણાવ્યું હતું કે ‘રૂમમાંથી દારૂની ખાલી બોટલો જ પકડાઈ છે આ બોટલો કેવી રીતે આવી તેની તપાસ કરવા માટે અમે કમિટી બનાવી છે.’ જ્યારે રૂમમાં સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી રહે છે વિદ્યાર્થીની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે ‘પ્રોજેક્ટ કરવા માટે દારૂની ખાલી બોટલ લાવ્યો હતો.એમ.એમ હોલના વોર્ડન દ્વારા રોજની જેમ ગઈકાલે પણ હોસ્ટેલમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને એ દરમિયાન દારૂની કોઈ પાર્ટી ચાલતી હોવાની હિલચાલ દેખાઈ નહોતી.’
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D-બ્લોક પરથી પણ ધાબા પરથી મોંઘા દારૂની ખાલી બોટલો મળી આવી હતી.


