હવે કયો રોડ-રસ્તો ખોદવાનો બાકી છે તપાસ કરો ..? ભીમનાથ બ્રિજ તરફનો રસ્તો 45 દિવસ બંધ રહેશે | Vadodara : road towards Bhimnath Bridge will be closed for 45 days

![]()
Vadodara Road Closure : વડોદરા શહેરના જાહેર તથા આંતરિક રોડ રસ્તા ખોદીને લોકોને બાનમાં લેવાનું પાલિકા તંત્રએ નક્કી લીધું હોય એવી રીતે પૂર્વ વિસ્તારના રોડ રસ્તાનો કચ્ચરઘાણ કાઢીને હવે બાકી રહેલા રોડ રસ્તાઓનો ખુરદો બોલાવવાનું નક્કી કરાયું હોય એમ, ભીમનાથ બ્રીજ તરફ જતા રસ્તે નવી ગટર લાઈન નાખવાની કામગીરી અંગે તા. 2જી, ફેબ્રુઆરીથી ડાબી બાજુનો રસ્તો વાહન વ્યવહાર માટે આગામી 45 દિવસ સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, શહેરનો રાતોરાત વિકાસ કરી નાખવો હોય અને હવે જાણે કે આગામી ચૂંટણીમાં લોકોને ફરી એક વાર હથેળીમાં ચાંદ બતાવીને લોક સેવાના કાર્યો તંત્ર દ્વારા કરાતા હોવાનો ડોળ કરવો સરળ બનશે તેવી પાલિકા તંત્રની આશા છે.
હવે જ્યારે મોટાભાગના તમામ રોડ રસ્તા ખોદી નંખાય છે ત્યારે ભીમનાથ ફૂડ જંક્શનથી ભીમનાથ બ્રિજ તરફના જતા રસ્તે નવી વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી કરવા અંગે ડાબી બાજુનો રસ્તો તા. 2જી, ફેબ્રુઆરીથી 45 દિવસ (દોઢ મહિનો) તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જેના વિકલ્પ રૂપે બરોડા ઓટો કાલાઘોડાથી ડાબી બાજુ વળીને લેમન ટ્રી હોટલ ત્રણ રસ્તા પારસી અગિયારી તથા ડેરી ડેમ સર્કલથી સૂર્ય પેલેસ હોટલ થઈ જે તે તરફ વાહન ચાલકો જઈ શકશે. કાલાઘોડાથી અલકાપુરી ગરનાળા થઈ જે તે તરફ અવરજવર કરવા અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા પાલિકાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું હતું.



