સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ? | Saudi Arabia’s Double Game: MBS Talks Peace While KBS Urges US Attack on Iran

![]()
Saudi arab and Iran News : મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યારે ‘બે મોઢાની રમત’ રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સાઉદી અરબ ઈરાન સાથે મિત્રતા અને શાંતિની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં જઈને કંઈક અલગ જ રાગ આલાપી રહ્યું છે. સાઉદીના આ ‘ડબલ ગેમ’થી તેહરાન અને રિયાધ વચ્ચેના સંબંધોમાં ફરી શંકાના વાદળો છવાયા છે.
એક ભાઈ શાંતિદૂત, બીજો યુદ્ધની તરફેણમાં?
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) જાહેર મંચ પરથી સતત ઈરાનની સંપ્રભુતા અને શાંતિની વાતો કરી રહ્યા છે. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે સાઉદી પોતાની ધરતી કે હવાઈ માર્ગનો ઉપયોગ ઈરાન પર હુમલા માટે નહીં થવા દે. જોકે, તેમના જ સગા ભાઈ અને સાઉદીના રક્ષામંત્રી ખાલિદ બિન સલમાન (KBS) એ અમેરિકામાં એક બંધ બારણે મળેલી બેઠકમાં તદ્દન વિપરીત નિવેદન આપ્યું છે.
અમેરિકામાં ખાલિદ બિન સલમાનનું નિવેદન
એક્સિઓસના રિપોર્ટ મુજબ, KBS એ અમેરિકન અધિકારીઓ અને થિંક ટેન્ક નિષ્ણાતોને જણાવ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ધમકીઓ આપીને પાછા હટી જશે, તો ઈરાની શાસન પહેલા કરતા વધુ મજબૂત થઈને ઉભરશે. તેમણે સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે જો અમેરિકા આ તબક્કે નિર્ણય લેવામાં પાછું પડશે, તો ઈરાન તેને પોતાની જીત માનશે.
સાઉદીએ શા માટે બદલી રણનીતિ?
નિષ્ણાતો માને છે કે સાઉદી અરબ અત્યારે સંતુલન જાળવવાની મથામણ કરી રહ્યું છે. એક તરફ તે ઈરાન સાથે સીધા સંઘર્ષથી બચવા માંગે છે, કારણ કે યુદ્ધથી આખા વિસ્તારની સ્થિરતા જોખમાઈ શકે છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસને જે રીતે ખાડી દેશોમાં સૈન્ય જમાવટ વધારી છે, તે જોતા સાઉદીને લાગે છે કે અમેરિકા ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ સંજોગોમાં સાઉદી અમેરિકાના નિર્ણયોની વિરુદ્ધ ઊભું રહેવા માંગતું નથી.
ખાડી દેશોમાં ફફડાટ
સાઉદી અરબની આ બેવડી નીતિથી ખાડીના અન્ય દેશોમાં પણ ગભરાટ છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરે છે, તો તેની સીધી અસર આખા મિડલ ઈસ્ટ પર પડશે. સાઉદી અત્યારે એવી સ્થિતિમાં છે જ્યાં તે ઈરાનને પ્રાદેશિક તાકાત તરીકે મજબૂત થતું જોવા પણ નથી માંગતું અને હુમલાના પરિણામો ભોગવવા પણ તૈયાર નથી.



