પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’: મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Momo Warehouse Fire: 27 Feared Dead in Nazirabad Tragedy

![]()
West Bengal Momo Godown Fire News : પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
મૃતદેહોની હાલત જોઈ ડોક્ટરો પણ સ્તબ્ધ
ગત સોમવારે વહેલી સવારે લાગેલી આ આગમાં બે મોટા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી જે માનવ અવશેષો મળી આવ્યા છે તે એટલી હદે બળી ગયા છે કે તેમને ઓળખવા અશક્ય છે. અત્યાર સુધીમાં 27 ગુમ થયાની ફરિયાદો મળી છે. ફોરેન્સિક ટીમે ખોપરી અને હાડકાં સહિત 16 નમૂના એકત્ર કર્યા છે, જેની ઓળખ માટે પરિવારના સભ્યોના DNA સાથે મેચ કરવામાં આવશે.
સરકાર વિરુદ્ધ વિપક્ષનો મોરચો
આ ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નરેન્દ્રપુરમાં વિશાળ રેલી કાઢીને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઘટનાના પાંચ દિવસ બાદ પણ મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી નથી. વધુમાં તેમણે દાવો કર્યો કે આ ગોડાઉનો જળાશયો પૂરીને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા અને તેમાં ફાયર સેફ્ટીના કોઈ નિયમોનું પાલન થતું નહોતું.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. PM મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના વારસદારોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી છે.
પોલીસ કાર્યવાહી: વધુ બેની ધરપકડ
આ કેસમાં કાર્યવાહી કરતા બંગાળ પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે મોમો ફેક્ટરીના બે સિનિયર અધિકારીઓ, મેનેજર મનોરંજન શીટ અને ડેપ્યુટી મેનેજર રાજા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગોડાઉનના માલિક અને અન્ય એકની અટકાયત કરવામાં આવી હતી.



