ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put pressure on the school grounds in Korda village of Chuda

![]()
– ગેરકાયદે દબાણ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી
– 6 મહિનાથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત છતાં તંત્ર મૌન : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા માંગ
સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના કોરડા ગામે શિક્ષણના ધામ સમાન માધ્યમિક શાળાનું મેદાન પણ હવે ભૂમાફિયાઓની નજરે ચડી ગયું છે. કલેક્ટર દ્વારા શાળા માટે સર્વે નંબર ૪૦ પૈકી ૧ વાળી બે એકર જમીન ફાળવવામાં આવી હતી. આક્ષેપ છે કે, ગામના સરપંચ અને તેમના સગા-સંબંધીઓએ સત્તાનો દુરુપયોગ કરી શાળાના કમ્પાઉન્ડમાં એક એકર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી દીધું છે.
આ ગંભીર મુદ્દે ગ્રામજનોએ એકત્રિત થઈ લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા દબાણ હટાવવા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
મેદાનમાં દબાણ હોવાથી શાળાએ આવતા બાળકો રમતગમતથી વંચિત રહી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે દબાણ તોડી પાડી મેદાન ખુલ્લું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન છેડવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણના હિતમાં તંત્ર સરપંચ સામે પગલાં ભરે છે કે કેમ?


