સેવાલિયાના રૂસ્તમપુરામાં ખનીજ માફિયા અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ વચ્ચે હોટલમાં ‘સેટિંગ’નો ખેલ | A game of setting in a hotel between the mineral mafia and the Flying Squad officers

![]()
– ખાણ ખનીજ વિભાગે 250 વિસ્ફોટકો અને 4 ડમ્પરોનો મામલો દબાવી દીધો હોવાની આશંકા
– મહીસાગર નદીમાં 800 થી 900 મીટરમાં ચાલતા ગેરકાયદે ખનન પર ગાંધીનગરની ટીમ ત્રાટકી હતી : કાયદાના રક્ષક જ ખનીજ માફિયાના શરણમાં ? ગાંધીનગરની રેડ બાદ સેવાલિયામાં મિલીભગતનો મધપુડો છંછેડાયો
નડિયાદ : સેવાલિયાના રૂસ્તમપુરામાં મહીસાગર નદીના પટમાં છેલ્લા ૮-૯ મહિનાથી ચાલતા ગેરકાયદે ખનન પર ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડી ૩ હિટાચી અને કોમ્પ્રેસર સહિતની મશીનરી ઝડપી પાડી હતી. જોકે, આ કાર્યવાહી બાદ તપાસમાં સામેલ અધિકારીઓ અને ખનન માફિયા વચ્ચે હોટલમાં થયેલી ગુપ્ત બેઠકના આક્ષેપે અનેક તર્કવિતર્કો સર્જ્યા છે. આ બેઠકમાં માપણીમાં ગોલમાલ કરી દંડની રકમ ઘટાડવા માટે વહીવટ થયો હોવાની તેમજ સ્થળ પરથી પકડાયેલા ૪ ડમ્પરો અને ૨૫૦ વિસ્ફોટકોનો મામલો દબાવી દેવાયો હોવાની આશંકા છે. હવે આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ સ્તરેથી કેવી તપાસ થાય છે અને જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં ભરાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ખનીજ ચોરો બેફામ બન્યા છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે મહીસાગર નદીમાં ચાલતી ગેરકાયદેસર માઈન્સ પર દરોડો પાડયો હતો, પરંતુ આ રેડ બાદના દ્રશ્યોએ તંત્રની પોલ ખોલી નાખી છે. દરોડાની કાર્યવાહી પૂરી થતા જ તપાસમાં સામેલ અધિકારી ધવલ સતપૂતે અને અગાઉ પાસા હેઠળ જેલ જઈ આવેલા મુકેશ ભરવાડ અંબાવ ચોકડી પાસેની હોટલ સુરકલા કાઠિયાવાડીમાં બેઠક કરતા જોવા મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. હોટલના પાર્કિંગમાં ફ્લાઈંગ સ્ક્વોડમાં આવેલા સતપૂતે, નડિયાદ ખાણ ખનીજ વિભાગના અધિકારી અને બ્લેક કાચવાળી સ્કોપયો નંબર ૩૩૩ની હાજરીએ માપણીમાં ઘાલમેલ કરીને દંડની રકમ ઘટાડવા માટે ‘વહીવટ’ થઈ રહ્યો હોવાની આશંકાને પ્રબળ બનાવી છે. છેલ્લા ૮થી ૯ મહિનાથી કોઈપણ પરવાનગી વગર મહીસાગર નદીના ૮૦૦થી ૯૦૦ મીટરના વિસ્તારમાં બ્લાસ્ટિંગ કરીને પથ્થરો ચોરવાનું નેટવર્ક ધમધમી રહ્યું હતું, જેમાં સ્થાનિક તંત્રની લાચારી હવે જગજાહેર થઈ ગઈ છે.
રૂસ્તમપુરાની આ સાઈટ પરથી રોજની ૧૦૦થી વધુ ગાડીઓ ખનીજ ભરીને રવાના થતી હતી અને આ માલ સેવાલિયાની ત્રંબકેશ્વર તથા પાલ હિલ જેવી ક્વોરીઓમાં સપ્લાય કરવામાં આવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગાંધીનગરની ટીમે રેડ દરમિયાન ૩ હિટાચી મશીન, ૧ હિટાચી બ્રેકર અને ૧ ટ્રેક્ટર કોમ્પ્રેસર ઝડપી પાડયા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, સ્થળ પરથી ૪ ડમ્પરો પણ પકડાયા હતા, પરંતુ સ્થાનિક અધિકારીએ દરમિયાનગીરી કરીને આ વાહનોને બારોબાર છોડાવી દીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. મુકેશ ભરવાડ અગાઉ પંચમહાલમાં ખાણ ખનીજની ટીમ પર હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલો હોવા છતાં, અધિકારીઓ તેની સાથે હોટલમાં બેસીને કઈ મંત્રણા કરી રહ્યાં હોવાના આક્ષેપો તપાસનો વિષય છે. રાજકીય પીઠબળ અને વહીવટી મેળાપીપણાના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાનો કારસો રચાયો હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તંત્રની રહેમ નજર : 250 વિસ્ફોટકો ગાયબ
રેડ દરમિયાન ખનન સાઈટ પરથી પથ્થરો તોડવા માટે વપરાતા ૨૫૦ જેટલા વિસ્ફોટકો મળી આવ્યા હતા. આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો રાખવા માટે કાયદેસરનું લાયસન્સ અનિવાર્ય છે. આમ છતાં, આ વિસ્ફોટકોનો મુદ્દો રેકોર્ડ પર લાવવાને બદલે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે.
વહીવટ કરીને 4 ડમ્પરોને સ્થળ પરથી જ મુક્ત કરાયાનો આક્ષેપ
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેડ દરમિયાન મહેન્દ્ર વણઝારાનું ૧ ડમ્પર, લાખા ભરવાડના ૨ ડમ્પર અને મુકેશ ભરવાડનું ૧ ડમ્પર ઝડપાયા હતા. આ તમામ વાહનો ગેરકાયદે ખનનમાં વપરાતા હોવા છતાં, સ્થળ પર જ ગોઠવણ કરીને માત્ર મશીનરી જ જપ્ત બતાવી વાહનોને રવાના કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.
જમવા ગયા ત્યાં પાછળ આવ્યા : ધવલ સતપૂતે
આ સમગ્ર મામલે ફ્લાઈંગ સ્ક્વોડમાંથી રેઈડ કરવા આવેલા ધવલ સતપૂતે જણાવ્યં હતું કે, અમે તો જમવા ગયા હતા, આ સમયે અમારી સાથે ખેડાનો ખાણ-ખનીજ વિભાગનો સ્ટાફ પણ હતો, અમે જમવા ગયા ત્યાં શખ્સો અમારી પાછળ આવ્યા છે. અમે જ્યાં કાર્યવાહી કરીએ ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા શખ્સો અમારી પાછળ ફરતાં રહે છે.



