ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters being removed from the list by filling Form 7 incorrectly: Demand for action

![]()
– વસો મામલતદાર, ખેડા પ્રાંત અધિકારીને આવેદન
– રજિસ્ટેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ મુજબની એક યાદી નોટિસ બોર્ડ ઉપર જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવી ફરજિયાત
નડિયાદ : સમગ્ર રાજ્યમાં એસઆઇઆરની કામગીરી હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ માતર વિધાનસભાની મતદાર યાદીમાંથી ફોર્મ નંબર સાત ભરી સાચા મતદારોના નામો ખોટી રીતે કમી કરાવવાના પ્રયાસ કરનારાઓ સામે ફોજદારી રાહે પગલાં લેવા વસો અને માતરના કોંગ્રેસ અગ્રણીએ આવેદનપત્ર આપી માગણી કરી છે.
વસો તાલુકા કોંગ્રેસ પ્રમુખે વસોના મામલતદારને, જ્યારે માતરના કોંગ્રેસ અગ્રણીએ ખેડાના પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ સંદર્ભે તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદી અનુસંધાને વાંધા, સુચન અને હકક-દાવા માટે ફોર્મ નં.૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૧-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી હતી. તા.૧૬-૦૧-૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં.૭ હજારોની સંખ્યામાં જમા થવાના શરૂ થયેલા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાબુ હસેનના કેસમાં જણાવ્યું છે કે,’જો કોઈ વ્યકિતનું નામ પહેલાથીજ મતદાર યાદીમાં હોય, તો તે ભારતીય નાગરીક છે તેવી કાયદાકીય ધારણા કરાવી જોઈએ. વાંધો રજુ કરવાનો અધિકાર માત્ર તે જ વ્યકિતને છે, જે એ જ વિધાનસભાનો મતદાર હોય, આ વાંધો જો કોઈપણ આધાર પુરાવા વગર રજુ કરવામાં આવે તો ડેઝીગ્નેટેડ રજીસ્ટ્રેશન ઓફિસરે આ વાંધા તાત્કાલીક ધોરણે રદ કરવા જોઈએ. જો રજીસ્ટ્રેશન ઓફિસર દ્વારા આ વાંધા પુરાવાના આધારે માન્ય રાખવામાં આવે તો જે મતદાર સામે વાંધા લેવામાં આવેલ હોય તે મતદારને નોટિસ આપવી જોઈએ અને નોટિસ આપ્યા બાદ સુનાવણીની પુરતી તક આપવી જોઈએ. તેમ છતા જો રજીસ્ટ્રેશન ઓફિસરને ફાઈનલ ઈલેકટોરલ રોલ પબ્લિશ થાય તે પહેલા કોઈપણ વ્યક્તિનુ નામ મતદાર યાદીમાંથી રદ કરવું હોય તો રજીસ્ટ્રેશન ઓફિસરે આ નામોની પુરતી વિગત સાથે એક યાદી તૈયાર કરવાની રહેશે’
રજીસ્ટેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ મુજબની એક યાદી નોટિસ બોર્ડ ઉપર જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવી ફરજિયાત છે. જો કોઈપણ વાંધેદાર કોઈપણ મતદાતાનું નામ કમી કરાવવા માંગતા હોય તો વાંઘેદારે દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કરવાનું રહેશે કે જે તે મતદારનું નામ ફાઈનલ ઈલેક્ટોરલ રોલમાંથી બાકાત થવા યોગ્ય છે. જો કોઈપણ વાંઘેદાર આધાર પુરાવા વગર ‘ફોર્મ ૩’ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરે તો આવા પુરાવા વગરનુ ફોર્મ ૭ વાંધા અરજી રજીસ્ટેશન ઓફિસરે રદ કરવી જોઈએ અને આવી ખોટી વાંધા અરજી કરનાર વાંધેદાર વિરૂદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. રજીસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સનું પાલન ન કરી સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે દબાણવશ થઈ રહેલ હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે, તેવો આક્ષેપ કરાયો છે.
આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે, ‘ફોર્મ ૭’ મુજબ રજુ થયેલ તમામ વિધાનસભાના વાંધાઓને ‘ફોર્મ ૧૧’ મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ‘ફોર્મ ૭’ મુજબ વાંધા અરજી રજૂ થઈ હોય તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા તેમજ તમામ મતદારોનું નામ ફાઈનલ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા માગણી કરવામાં આવી છે.



