दुनिया

ઇરાન ચર્ચા નહીં કરે તો યુદ્ધ થશે : ટ્રમ્પની ધમકી | Trump threatens war if Iran doesn’t talk



– અમેરિકા અને ઇઝરાયેલ સામે યુદ્ધ કરવાથી ડરતા નથી : વાટાઘાટો માટે ઇરાનનો નનૈયો

– અમેરિકાના યુદ્ધ જહાજો સામે ઈરાને તેનું ફ્લેગશિપ ડ્રોન કેરિયર શહીદ બઘેરી તૈનાત કર્યું : 1,000 ડ્રોન પણ ગોઠવ્યા 

– અમેરિકાનું વધુ એક યુદ્ધજહાજ ડેલબર્ટ ડી બ્લેક ઈઝરાયેલના બંદર પહોંચ્યું, ન્યુક સ્નિફર કોન્સ્ટન્ટ ફોનિક્સ વિમાન બ્રિટનમાં તૈનાત

વોશિંગ્ટન/તહેરાન : અમેરિકાના યુદ્ધ જહાજોએ લાલ સાગર અને અરબ સાગરમાં ઈરાનને ઘેરી લીધું છે. અમેરિકા આ વખતે ઈરાન પર ગયા વર્ષ કરતાં વધુ ભયાનક હુમલોની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે અમેરિકાનું ભાગ્યે જ જોવા મળતું ‘ન્યુક સ્નિફર’ વિમાન બ્રિટનમાં ઉતાર્યું છે તેમજ અમેરિકાની મિસાઈલ ડિસ્ટ્રોયર ઈઝરાયેલના ઈલાત બંદર પર પહોંચી ગઈ છે. આવા સમયે મધ્ય-પૂર્વમાં ફરી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની આશંકાઓ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે આ વખતે ઈરાનમાં તૈનાત યુદ્ધજહાજોનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. જોકે, ઈરાને અમેરિકાના હુમલાના ભયે તેનું ‘ન્યુક્લિયર ગોલ્ડ’ છુપાવી દીધું છે. સાથે ઈરાને ટ્રમ્પને આ વખતે અમેરિકાને પૂર્ણ સ્તરના યુદ્ધની ધમકી આપી છે. ઈરાને પણ ૧,૦૦૦ ડ્રોન તૈનાત કર્યા છે. બીજી બાજુ ઇરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડી સેન્ટરમાં ગુરુવારે જણાવ્યું કે, અત્યારે અમારા કદાવર અને વિનાશક યુદ્ધ જહાજો ઈરાન તરફ આગળ વધી રહ્યા છે. અમારે તેનો ઉપયોગ ના કરવો પડે તો સારું થશે. આ સાથે ટ્રમ્પે ઈરાન સાથે વાટાઘાટો માટે પણ તૈયારી દર્શાવી છે. આ પહેલાં ટ્રમ્પે ઈરાનને સમય હાથમાંથી પસાર થઈ રહ્યો છે તેવી ચેતવણી આપી હતી અને સૈન્ય કાર્યવાહી માટેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે, તેનું વધુ એક નેવી ડિસ્ટ્રોયર જહાજ મધ્ય-પૂર્વમાં દાખલ થઈ ગયું છે. છેલ્લા ૪૮ કલાકમાં યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક નામનું જહાજ ઈઝરાયેલના ઈલાત બંદરે પહોંચી ગયું છે. ઈઝરાયેલના સૈન્યે પુષ્ટી કરી હતી કે, ડેલબર્ટ ડી બ્લેક જહાજનો આ અગાઉથી પ્લાન કરાયેલો પ્રવાસ હતો. આ જહાજ એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ ડિફેન્સ અને ક્રૂઝ મિસાઈલ ટોમહોક લોન્ચ કરવાની ક્ષમતાથી સજ્જ છે. આ જહાજ હવાઈ હુમલા, મિસાઈલ હુમલા અને જહાજો સાથે લડવા માટે ડિઝાઈન કરાયું છે.

અમેરિકાના આ જહાજ સાથે જ અબ્રાહમ લિંકન અને થિયોડોર રુઝવેલ્ટ જહાજ સહિત મધ્ય-પૂર્વમાં અમેરિકન યુદ્ધ જહાજોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે. આ સિવાય એક એરક્રાફ્ટ કેરિયર અને ત્રણ અન્ય તટીય યુદ્ધજહાજો પણ ઈરાનને ઘેરવા માટે તૈનાત કરાયા છે. આ સિવાય અમેરિકન એરફોર્સનું ડબલ્યુસી-૧૩૫આર કોન્સ્ટન્ટ ફોનિક્સ વિમાન બ્રિટન પહોંચી ગયું છે. આ વિમાન વાતાવરણમાં રેડિયોએક્ટિવ પાર્ટિકલ્સની તપાસ કરવા અને પરમાણુ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડિઝાઈન કરાયું છે. આ કારણોથી જ આ વિમાનને ‘ન્યૂક સ્નિફર’ કહેવાય છે. છેલ્લા ૪૦ વર્ષમાં માત્ર ત્રીજી વખત આ વિમાનને બ્રિટનમાં તૈનાત કરાયું છે. 

દરમિયાન ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ માટેના યુરેનિયમને ‘ન્યુક્લિયર ગોલ્ડ’ ગણાવે છે અને અમેરિકાના હુમલાના ડરથી ઈરાને આ ન્યુક્લિયર ગોલ્ડને છુપાવી દીધું છે. સેટેલાઈટ ઈમેજીસથી જાણવા મળ્યું છે કે ઈરાન તેના ન્યુક્લિયર સ્થળો ફોર્ડો અને નતાંઝ ટનલના પ્રવેશદ્વારોને વધુ ઊંડાણમાં દફનાવી રહ્યું છે. આ સ્થળો પર માટીના નવા ઢગલા ખડકાયેલા જોવા મળે છે. ટ્રકો માટીથી પ્રવેશદ્વારોને સીલ કરી રહ્યા છે.

આ સિવાય ઈરાને તેના ફ્લેગશિપ ડ્રોન કેરિયર શહીદ બઘેરીને બંદર અબ્બાસના કિનારાથી ૬ કિ.મી. દૂર ખડક્યું છે. ઈરાને સેંકડો હુમલાખોર જહાજ, મિસાઈલ લોન્ચ કરનારા જહાજ અને સપોર્ટ વેસલ્સને અમેરિકન કેરિયર ગૂ્રપની નજીક મોકલી દીધા છે. વધુમાં ઈરાને ૧,૦૦૦ નવા ડ્રોન પણ અમેરિકન સૈન્ય સામે તૈનાત કર્યા છે. ગયા વર્ષે અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના અનુભવોના આધારે ઈરાને આ ડ્રોન વિકસાવ્યા છે. આ ડ્રોનમાં ફાઈટર, હુમલો કરનારા, નિરીક્ષણ રાખનારા અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ સંબંધિત ડ્રોનનો સમાવેશ થાય છે. 

વધુમાં ઈરાને ટ્રમ્પને ચેતવણી આપી છે કે આ વખતે ટ્રમ્પ હુમલો કરીને જતા રહેશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું નહીં થાય. ઈરાનની આર્મીએ કહ્યું કે, તે અમેરિકા સામે પૂર્ણ સ્તરના યુદ્ધ માટે તૈયાર છે. અમેરિકાના હુમલાનો જવાબ ઈઝરાયેલ તથા મધ્ય-પૂર્વમાં અમેરિકાના તમામ સૈન્ય જહાજો પર આક્રમણ કરીને અપાશે.



Source link

Related Articles

Back to top button