વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma’s Jayanti today: Conjunction of Pushya Nakshatra tomorrow Sunday

![]()
બ્રહ્માંડના અને ધરતી પર દ્વારિકા, હસ્તિનાપુરના દિવ્ય સ્થપતિ : આજે મોઢેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવ ઉજવાશે, તો રવિવાર શુભ કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ
રાજકોટ, : આવતીકાલ શનિવારે મહા સુદ તેરસના દિવસે દેવતાઓના વાસ્તુકાર, સ્વર્ગ લોક, સ્વર્ણ લંકા, દ્વાપર યુગમાં દ્વારિકા અને હસ્તિનાપુર જેવા નગરોના દિવ્ય વાસ્તુકાર, સ્થપતિ (આર્કિટેક્ટ) એવા ભગવાન વિશ્વકર્માની જયંતિની ઉજવણી થશે. તો આ સાથે જ આવતીકાલે મોઢેરાના એક હજાર વર્ષ જુના મોઢેશ્વરી માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાશે.
ગુજરાતભરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમસ્ત કારીગર વર્ગ જેમાં લુહાર, પંચાલ, મિસ્ત્રી, સુથાર, સોની, કંસારા, કડિયા, પ્રજાપતિ, કુંભાર, સોમપુરા, શિલ્પકાર તેમજ મિકેનીક, બાંધકામથી માંડી આર્કિટેક્ટ, એન્જિનિયર સહિત વ્યવસાયિકો વગેરે જોડાયેલા વિશ્વકર્માદાદાના ભક્તો આવતીકાલે પૂજન, અર્ચન કરશે.
દેશભરમાં તેમજ શ્રીલંકા, નેપાલ સહિત અન્ય દેશોમાં પણ વિશ્વકર્માના વંશજો આ ઉત્સવ ઉજવતા હોય છે. કેટલાક રાજ્યોમાં આ દિવસ અંગ્રેજી તારીખ મૂજબ 17 સપ્ટેમ્બરના દિવસે પણ ઉજવાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તે આવતીકાલે 31 જાન્યુઆરીએ ઉજવાશે. વિશ્વકર્મા ભગવાન સ્વયંભુ બ્રહ્માંડના પ્રારંભકાળથી જ હોવાની શ્રધ્ધા છે. હજારો વર્ષ પુરાના ઋગવેદમાં પણ તેમનો ઉલ્લેખ છે.
રવિવારના દિવસે જ પૂષ્ય નક્ષત્ર હોવાથી રવિ પૂષ્યામૃત યોગ સર્જાયો છે. આ દિવસનું મહત્વ કોઈ ખરીદીથી સવિશેષ સ્વનું અને સમસ્તનું કલ્યાણ થાય તેવા કાર્યના શુભારંભ માટે છે. આ સમયે પોઝીટીવ ઊર્જાથી આ કાર્ય સફળતા પામતા હોય છે.



