गुजरात

સહકારી મંડળીઓની મુદત વધારવાના પરિપત્રમાં APMC બાકાત છતાં વડોદરાની 5 APMCમાં ચૂંટણી થતી નથી | Elections are not being held in 5 APMCs of Vadodara from longtime



વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણી યોજવાની માગણીનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચતાં જ સરકારે બચાવ માટે જિલ્લા કક્ષાની સહકારી મંડળીઓની મુદત છ મહિના વધારી દીધી છે.પરંતુ તેમાં એપીએમસીનો સમાવેશ નહિ થતો હોવા છતાં વડોદરા જિલ્લાની પાંચ એપીએમસીની ચૂંટણી ચાર મહિનાથી નહિ યોજાતાં ચર્ચાનો વિષય બન્યો છે.

સરકારના પરિપત્રને કારણે નિર્દિષ્ટ મંડળીઓની મુદતમાં છ મહિનાનો વધારો થયો છે.જેથી વડોદરા જિલ્લામાં બરોડા ડેરી,બરોડા સેન્ટ્રલ બેન્ક અને વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીઓને આ પરિપત્ર લાગુ પડે છે.

પરંતુ એપીએમસીનો નિર્દિષ્ટ મંડળીઓમાં સમાવેશ થતો નથી.જેથી તેની મુદત લંબાવવામાં આવી નથી અને ઉપરોક્ત પરિપત્ર એપીએમસીને લાગુ પડતો નથી.તેમ છતાં વડોદરા જિલ્લાની પાંચ એપીએમસીની ચૂંટણીઓ ક્યા કારણસર અટકાવી રાખવામાં આવી છે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

આ પાંચ એપીએમસમાં પાદરા અને ડભોઇ એપીએમસીની ચૂંટણી ચાર મહિના પહેલાં જ યોજાઇ હતી.જેમાં પાદરામાં ભાજપના બળવાખોર જૂથે એપીએમસી કબજે કરી છે.જ્યારે ડભોઇમાં ભાજપે સત્તા મેળવી છે.સામાન્ય રીતે ૧૫ દિવસમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી થઇ જતી હોય છે.પરંતુ આ બંને એપીએમસીમાં હજી ચૂંટણી થઇ નથી.

આવી જ રીતે ભાજપ હસ્તકની શિનોર,કરજણ અને સાવલી એપીએમસીમાં પાંચ વર્ષની ટર્મ પૈકી અઢી વર્ષની ટર્મ પુરી થઇ ગઇ છે.પરંતુ તેમાં પણ બીજી ટર્મ માટેની ચૂંટણી જાહેર કરાતી નથી.આમ,બરોડા ડેરીની ચૂંટણી નહિ યોજનાર સરકારે માત્ર ચૂંટણીથી બચવા માટે જ  એસઆઇઆરનું કારણ ધર્યું હોવાનું ચર્ચાય છે.

વડોદરા જિલ્લા સહકારી સંઘને મુદત લંબાવતા પરિપત્રનો કોઇ ફાયદો નહિ

વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી ત્રણ મહિના પહેલાં યોજાઇ હતી.જેમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે.ચૂંટાયેલા ડિરેક્ટરો તેમના ચેરમેન-વાઇસ ચેરમેનને નિયુક્ત કરવા માટે દોડાદોડી કરતા હતા અને લોબિંગ પણ ચાલતું હતું.પરંતુ રાજ્ય સરકારે જિલ્લા કક્ષાની મંડળીઓની મુદત છ મહિના લંબાવતા જિલ્લા સહકારી સંઘને તેનો કોઇ લાભ મળવાનો નથી.તેના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી કેમ ના કરી તેનો પણ ભાજપના સહકારી આગેવાનો કે સંગઠનના હોદ્દેદારો પાસે કોઇ જવાબ નથી.



Source link

Related Articles

Back to top button