મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા! ઈરાન તરફ રવાના થયો અમેરિકાનો વિશાળ નૌકાદળ કાફલો, ટ્રમ્પની ખુલ્લી ચેતવણી | us iran tension middle east military warning trump vs khamenei

![]()
US-Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ક્યારે યુદ્ધ શરૂ થશે તે સ્પષ્ટ નથી. એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે, અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તૈયારીઓને સક્રિય રીતે મજબૂત બનાવી રહ્યું છે.
યુદ્ધ બે કલાક પણ નહીં ચાલે: ઈરાનના લશ્કરી પ્રવક્તા
બીજી તરફ, ઈરાનના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ‘જો ઈરાન પર હુમલો કરવામાં આવશે, તો ઈરાન તરત જ બદલો લેશે. યુદ્ધ બે કલાક પણ નહીં ચાલે. યુએસ એરક્રાફ્ટ કેરિયર્સમાં ઘણી નબળાઈઓ છે અને તે અમારી મધ્યમ-અંતરની મિસાઇલોની રેન્જમાં આવે છે.’
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ખૂબ મોટી અને શક્તિશાળી સેના ઈરાન તરફ આગળ વધી રહી છે, આશા રાખું છું કે ઉપયોગ કરવાની નોબત ન આવે.’
યુએસ યુદ્ધ જહાજોનો મોટો કાફલો ઈરાન માટે રવાના: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હાલમાં એક મોટો નૌકાદળનો કાફલો ઈરાન માટે રવાના થયો છે. આ કાફલો વેનેઝુએલાને મોકલવામાં આવેલા કાફલા કરતા મોટો છે. ઈરાને ડીલ કરવી જોઈએ, અને જો તે નહીં થાય, તો પરિસ્થિતિ પર વિચાર કરવામાં આવશે.’



