ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa government social media ban under 16 children news 2026

Goa Social Media Ban for Children: મોબાઇલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. નાના બાળકો પણ કલાકો સુધી Instagram, Facebook, YouTube અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે. ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતનો ખુદ રાજ્યના મંત્રીએ સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોને મોબાઇલની લત, ખોટા કન્ટેન્ટ અને માનસિક દબાણથી બચાવવા આ પ્રકારનું પગલું ખૂબ જ જરૂરી છે.
બાળકોના મગજ પર નકારાત્મક અસર
સરકારનું માનવું છે કે નાની ઉંમરમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ બાળકોના મગજ અને વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે. આ જ કારણસર ગોવામાં આવા નિયમ અંગે ચર્ચા શરુ થઈ ગઈ છે. જોકે, હજુ આ નિર્ણયનો સંપૂર્ણ અમલ થયો નથી, પરંતુ આ સમાચાર સામે આવતા જ દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. માતા-પિતા, શિક્ષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે.
આ પણ વાંચો : 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, વધુ એક દેશની સંસદમાં બિલ મંજૂર
ગોવા સરકાર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂકવા માંગે છે?
ગોવા સરકારનું કહેવું છે કે, આજકાલ બાળકો ખૂબ જ નાની ઉંમરે મોબાઇલ અને સોશિયલ મીડિયાના વ્યસની બની રહ્યા છે. કલાકો સુધી સ્ક્રીન સામે જોતાં રહેવાથી તેમની આંખો, ઊંઘ અને મગજ પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ઘણી વખત વાંધાજનક વીડિયો, ખોટી માહિતી ઉપરાંત અજાણ્યા તત્ત્વોનો પણ ભોગ બનતા હોય છે. બાળકો સરળતાથી તેમના પ્રભાવમાં આવીને કોઈ ખોટું પગલુ પણ ઉઠાવી લેતા હોય છે. સાયબર બુલિંગ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું વિચારી રહી છે.

ઓસ્ટ્રેલિયા અગાઉ આવું પગલું ભરી ચૂક્યું છે
ઓસ્ટ્રેલિયા જેવા દેશે પહેલાથી જ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક નિયમો બનાવી દીધા છે. ત્યાં બાળકોને Instagram, Facebook અને TikTok જેવી એપ્સ વાપરવાની મનાઈ છે. ઓસ્ટ્રેલિયન સરકારનો દાવો છે કે, તેનાથી બાળકોનું બાળપણ સુરક્ષિત રહેશે અને તેઓ મોબાઇલના બદલે પુસ્તકો, રમતગમત અને પરિવાર સાથે વધુ સમય વિતાવશે.




