વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા, રૂ.21.71 લાખનો મુદ્દામાલ જપ્ત | 2 traders caught selling duplicate mobile phone accessories in Vadodara

![]()
Vadodara Police : વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં વધુ એક વખત બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝનું વેચાણ કરતા બે દુકાન સંચાલકોની રાવપુરા પોલીસે રૂ.21.71 લાખ ઉપરાંતની ડુપ્લીકેટ એસેસરીઝ સાથે અટકાયત કરી હતી.
બ્રાન્ડેડ કંપનીના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હકોના રક્ષણ માટે કાર્યરત દિલ્હી સ્થિત ખાનગી કંપનીની ટીમે ગઈકાલે બપોરે રાવપુરા પોલીસની સાથે રાજમહેલ રોડ પરના મરી માતાના ખાંચામાં આવેલી મહાલક્ષ્મી અને આર.એસ.કે. કોમ્બો એન્ડ ટચ મોબાઇલ નામની મોબાઇલ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કંપનીને મળેલી માહિતી મુજબ આ બંને દુકાનોમાં મોબાઇલ ડિસ્પ્લે, સર્કિટ, ચાર્જિંગ કેબલ સહિતની ચીજવસ્તુઓમાં કોપીરાઇટ હકોનો ભંગ કરી વેપાર કરવામાં આવી રહ્યો હતો.
ચેકિંગ દરમિયાન પોલીસે બંને દુકાનોમાંથી ડિસ્પ્લે, બોડી કવર, ગ્લાસ પેનલ, સર્કિટ, ચાર્જિંગ કેબલ સહિત કુલ રૂ.21,71,911ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે દુકાન સંચાલકો તોલારામ ધનાજી પુરોહિત (રહે. અનમોલ પાર્ક, લક્ષ્મીપુરા) અને ભરતકુમાર સાવલારામ સુથાર (રહે. સરસ્વતી કોમ્પ્લેક્સ, વેરાઈ માતા ચોક) સામે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



