જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Court orders 1 year imprisonment in case of returning a cheque given as settlement

![]()
Jamnagar Court : જામનગરના નવાગામ-ઘેડમાં રહેતા ભરતસિંહ હેમુભા ચુડાસમાએ ચાર્મી ગજાનન વ્યાસને સંબંધદાવે અને ધંધાના વિકાસ માટે રૂ.10 લાખ ઉછીના આપ્યા હતા. અને તે અંગેનો સમજુતી કરાર નોટરાઈઝડ કરાવેલ, આરોપીએ ફરીયાદીની ચુકવણી માટે ફરીયાદીને 50,000 ઓનલાઈન યુપીઆઈથી ટ્રાન્સફરથી આપેલા અને બાકીની રકમ રૂપીયા 9,50,000 નો ફરીયાદીના નામ જોગનો ચેક આપ્યો હતો. જે ચેક રીર્ટન થતા ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ અદાલત સમક્ષ ફોજદારી ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ, જે કેસમાં આરોપી તથા ફરિયાદી વચ્ચે તારીખ 14/12/2024 ના રોજ લોક અદાલતમાં સમાધાન થયુ હતુ અને સમાધાન પેટેની રકમ ચુકવવા આરોપીએ રૂ.2 લાખનો ચેક તા.05/05/2025 ના રોજનો ચેક આપેલો હતો, જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમાં કરાવતા ચેક પરત ફરેલો હતો, ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-15માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદી એ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલી હતી.
જે નોટીસ બજી જવા છતાં આરોપીએ લીગલ નોટીસનો જવાબ આપ્યો ન હોય અને ચેક મુજબની રકમની માંગણી કરવા છતાં ચુકવેલી નહીં, જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો, અને તે કેસ જામનગરના ચોથા સીની. સિવિલ જજ એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી ચાર્મી ગજાનન વ્યાસને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવી છે તેમજ ચેકની રકમ મુજબ રૂપીયા 2,00,000 ફરીયાદીને વળતર પેટે હુકમની તારીખથી બે માસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવે છે. વધુમાં જો આરોપી વળતરની રકમ હુકમ મુજબ ફરીયાદીને ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


