गुजरात

જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near Jamnagar Bypass Lucky Escape for 4 Passengers



Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે.

ચાલુ કારમાં શોર્ટ સર્કિટ અને અફરાતફરી

મળતી વિગતો અનુસાર, કારના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત કુલ ચાર વ્યક્તિઓ કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કારના એન્જિન ભાગમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવા લાગ્યા હતા. ખતરો પારખી ગયેલા ભીમશીભાઈ અને અન્ય ત્રણ સભ્યોએ તુરંત જ ચાલુ કાર ઊભી રાખી બહાર કૂદી ગયા હતા. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી અને કાર હાઈવે પર જ ભડભડ સળગવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને થોડી જ વારમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. જો કે, ફાયર ટીમ પહોંચે તે પહેલા કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક વાયરિંગમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. હાઈવે પર બનેલી આ ઘટનાને કારણે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.





Source link

Related Articles

Back to top button