રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going to railway station with father

![]()
વડોદરા,રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૧ નજીકથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રેલવે બે દિવસ થવા છતાંય હજી બાળકની ભાળ નહીં મળતા રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકની શોધખોળ શરૃ કરી છે.
સમા ખોડીયાર નગરમાં રહેતોઅનિલ કાંતિભાઈ વાસફોડા ડ્રાઇવિંગ કરે છે. બીજી પત્ની પૂનમ અને પુત્ર સાથે રહેતા અનિલના પ્રથમ લગ્ન નીતા સાથે થયા હતા. તેના થકી સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેઓ મૂળ વતન સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે રહે છે. અનિલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પૂનમ સાથે પ્રેમ સંબંધ થતાં તે તેના પતિને છોડીને મારી સાથે રહેવા આવી ગઈ હતી. વર્ષ ૨૦૦૨૧ માં અમારે બંનેને એક પુત્રનો જન્મ થયો હતો. ગત ૨૦ મી તારીખે મારી પત્નીને અજાણ્યા નંબર પરથી ફોન આવતા અમારા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ૨૬ તારીખે અમારે જમવા બાબતે ઝઘડો થતાં રાત્રે સાડા નવ વાગ્યે પૂનમ ઘરેથી નીકળી ગઈ હતી. તે અમારા પુત્રને સાથે લઈ જવાનું કહેતી હતી પરંતુ, મેં ના પાડી હતી. ઘરેથી નીકળ્યા પછી મેં પૂનમને ફોન કરતા પૂનમનો ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે પૂનમે અજાણ્યા નંબર પરથી મને કોલ કરીને પુત્રને આપી દેવા કહ્યું હતું. મેં ના પાડતા તેણે ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તે મારો કોલ રિસિવ કરતી નહતી. મેં અન્ય નંબર પરથી કોલ કરતા તેણે કહ્યું કે, હું વડોદરા રેલવે સ્ટેશન છું. જેથી હું મારા પાંચ વર્ષના પુત્રને લઈને રેલવે સ્ટેશન ગયો હતો અને તમામ પ્લેટફોર્મ ફરી વળ્યો હતો. મારી પત્ની મળી ન હતી મને થાક લાગતા હું પ્લેટફોર્મ નંબર ૧ ની નજીક આવેલા એક સલૂનના ઓટલા પર સૂઈ ગયો હતો. અડધો કલાક પછી ઊંઘમાંથી ઉઠયો તો મારો પુત્ર મને મળી આવ્યો ન હતો. મારી પત્ની તેને લઈ ગઈ હશે તેમ સમજી હું ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ મારી પત્નીનો સંપર્ક થતા તેની પાસે પણ મારો પુત્ર નહતો. જેથી, આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



