ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction of Somnath Temple to be done through public donations by forming a trust

![]()
સોમનાથ સાથેના ગાંધીજીના અનેક અદ્દભૂત સંભારણાં : તા. 12 ફેબ્રુઆરી 1948ના રોજ ત્રિવેણી સંગમમાં રામધૂન સાથે ગાંધીજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
પ્રભાસપાટણ, : દેશને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપનારા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. ગાંધી નિર્વાણ દિને એ જાણવું રસપ્રદ થશે કે સોમનાથ મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરવા સરદાર પટેલે દ્રઢ સંકલ્પ કર્યો તેમાં સરકારની મંજૂરી પણ મળી ગઈ હતી. આમ છતાં સરદાર પટેલે ગાંધીજીનું માર્ગદર્શન માગ્યું હતું. એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે આ મંદિર લોકફાળાથી બને અને એની દેખરેખ તેમજ અમલ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવે. આ સૂચન સરદાર પટેલે શિરોમાન્ય રાખ્યું અને સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.
ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ અને ભાવિ સંકેતથી સોમનાથ મંદિર નિર્માણકાર્ય સુયોગ્ય રીતે પરિપૂર્ણ થયું હતું. જો કે સરદાર કે ગાંધીજી આ નૂતન મંદિરને જોઈ શક્યા ન હતા. ગાંધીજીના વેરાવળ સોમનાથ ખાતેના સંસ્મરણો અનેક છે. ગાંધીજી રાષ્ટ્રપિતા ન હતા એ વખતે વડિયા દરબાર અને વાળા બાવા તેમજ સુમરીબાઈના કેસ અંગે એડવોકેટ તરીકે 1902માં તા. 3-4-5 એપ્રિલે વેરાવળ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં આવ્યા હતા. તા.૬ના રોજ વેરાવળથી રાજકોટ જવા નીકળ્યા હતા.
ગાંધીજીના નિર્વાણ બાદ તા. 12 ફેબ્રુઆરી 1948ના રોજ પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમમાં રામધૂન સાથે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા. ગાંધીજીના દેહાંતના રેડિયો ન્યુઝ લોકોએ રેડિયો પરથી સાંભળ્યા ત્યારે શોકમગ્ન થઈ ગયા હતા. અસ્થિકળશ વેરાવળથી સોમનાથ પહોંચ્યો ત્યારે ‘ગાંધીજી અમર રહો’ના ગગનભેદી નારાઓ લાગ્યા હતા.


