SRP કોન્સ્ટેબલે પોલીસ બનવા પગની બંને ચીપ મિત્રને આપી | SRP constable gives both his leg chips to his friend to become a police officer

![]()
દોડીને પરીક્ષા પાસ કરી શકાય તેમ ન હોવાથી જામનગરમાં દોડની પરીક્ષા દરમિયાન એક ચીપ ઓછી રીડ થતાં ભાંડો ફૂટયો, ગોંડલના બેટાવડ ગામના બંને ઉમેદવારો સામે ગુનો
જામનગર, : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે રનિંગની પરીક્ષા લેવાઈ રહી છે. જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે લેવાઈ રહેલી પરીક્ષામાં ગોંડલ એસઆરપી ગુ્રપ-૮ના જવાન અર્જુનસિંહ સખુભા જાડેજાએ પોતાનાથી દોડની પરીક્ષા પાસ કરી શકાય તેમ ન હોવાથી પોતાના જ ગોંડલના બેટાવડ ગામના ઉમેદવાર શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાને પોતાના પગમાં બાંધવામાં આવેલી ચીપ આપી દીધી હતી. જોકે ભાંડો ફૂટતાં હવે બંને વિરૂધ્ધ જામનગર સિટી-બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ભરતી માટે પ હજાર મીટરની રનિંગ માટે રપ મિનિટનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. દરરોજ જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ૧૬૦૦ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં ઉમેદવારો કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે તેની ચકાસણી માટે તેમના બંને પગમાં ચીપ બાંધવામાં આવે છે. ત્યાર પછી આ ચીપને લોક કરવામાં આવે છે.
દોડની પરીક્ષા પૂરી થયા બાદ ઉમેદવારોના પગમાંથી કટરની મદદથી ચીપ કાઢવામાં આવે છે. ગઈ તા. 23ના રોજ ત્રીજી બેચમાં સામેલ 200 ઉમેદવારોએ રનિંગ પૂરી કર્યા બાદ તેમના પગમાંથી ચીપ કાઢવાનું શરૂકરાયું હતું. તે વખતે 200માંથી 199 ચીપ જ રીડ થયાનું કંટ્રોલ રૂમને જાણવા મળ્યું હતું. જેથી એક ચીપ કેમ રીડ નથી થઈ તે અંગે ગ્રાઉન્ડમાં પરીક્ષા લેનારા સ્ટાફને જાણ કરવામાં આવી હતી. એટલું જ નહીં ગાંધીનગર ખાતેના સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમની પણ મદદ લેવામાં આવી હતી.
આ રીતે શરૂ થયેલી તપાસમાં અર્જુનસિંહ જાડેજાની ચીપ રીડ નહીં થયાનું ખુલ્યું હતું. જેથી તેની પૂછપરછ કરતાં કબુલ્યું હતું કે તેનાથી રનિંગ થઈ શકતું ન હતું. આ સ્થિતિમાં તેણે પોતાના પગમાં બાંધેલી બંને ચીપ તેના જ ગામના ઉમેદવાર શિવભદ્રસિંહ જાડેજાને આપી દીધી હતી. રનિંગ પૂરી થયા બાદ શિવભદ્રસિંહ જાડેજાએ તેને તેની બંને ચીપ પરત આપી દીધી હતી. આ રીતે બંનેએ ગેરરીતિ કર્યાનું ખૂલતાં બંને વિરૂધ્ધ પૂર્વયોજિત કાવતરૂરચી, પોલીસ ભરતી બોર્ડ સાથે છેતરપિંડી કરી, ગેરરીતિ આચરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તું થોડું ધીરે દોડજે એટલે હું તને રસ્તામાં મારી ચીપ આપી દઈશ
ઉમેદવારોના પગમાં ઘૂંટી પાસે બંને ચીપ બાંધવામાં આવે છે. જો ચીપ ઘૂંટણ ઉપર હોય તો તે રીડ થઈ શકતી નથી. એવું મનાય છે કે એસઆરપી જવાન અર્જુનસિંહ જાડેજાએ શિવભદ્રસિંહ જાડેજાને પોતાની બંને ચીપ આપી દેવાનું નકકી કર્યું હતું. પરંતુ દોડની શરૂઆતમાં આ ચીપ કાઢી આપી શકાય તેમ ન હોવાથી તેણે શિવભદ્રસિંહને જયાં સુધી પોતે ચીપ ના આપે ત્યાં સુધી થોડું ધીરે દોડવા કહ્યું હતું. દોડવા દરમિયાન કોઈપણ રીતે પોતાના બંને પગમાંથી ચીપ કાઢી શિવભદ્રસિંહને આપી દીધી હતી. જે ચીપ શિવભદ્રસિંહે પોતાના પેન્ટના ખિસ્સામાં નાંખી દીધી હતી. સ્વાભાવિક રીતે જ ચીપ ઘૂંટીમાં બાંધેલી ન હોવાથી મશીન તેને રીડ કરી શક્યું ન હતું. જેને પરિણામે આખરે બંને આરોપીઓનો ભાંડો ફુટયો હતો. સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓ દોડની પરીક્ષામાં નાપાસ થયા હતા. શિવભદ્રસિંહ ચાર સેકન્ડ માટે રહી ગયા હતા. એવું મનાય છે કે તે અર્જુનસિંહના કહેવાથી જો શરૂઆતમાં ધીરે દોડયા ના હોત તો કદાચ પરીક્ષામાં પાસ પણ થઈ જાત. હવે બંને આરોપીઓનું પોલીસ બનવાનું સપનું રોળાઈ ગયું છે.
આરોપીની SRPની નોકરીમાંથી હકાલપટ્ટી કરાઈ
આરોપી અર્જુનસિંહ જાડેજા ગોંડલ એસઆરપી જૂથ-8માં ફરજ બજાવે છે. પોલીસ બનવા માટે તેણે આચરેલા કૃત્ય બાદ તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જયારે પણ પરીક્ષા શરૂ થાય છે ત્યારે મેદાન ઉપર ઉમેદવારોને ગેરરીતિ નહીં કરવા, બીજા કોઈને મદદ નહીં કરવાની ચેતવણી આપવામાં આવે છે.


