સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered against an elderly man despite him killing it in self defense

![]()
વન વિભાગના વિચિત્ર નિયમ સામે નારાજગી દીપડા રહેણાક વિસ્તારમાં ઘૂસી માણસને મારી નાખે તો વળતર આપીને સંતોષ માની લેતો વન વિભાગ
ઉના, : ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર વૃધ્ધ સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે. દીપડા ગમે ત્યા ઘુસી માણસને મોતને ઘાટ ઉતારી નાખે ત્યારે વનવિભાગ વળતર આપી સંતોષ માની લે છે જ્યારે પોતાનો અને પુત્રનો જીવ બચાવવા દીપડાનું ઢીમ ઢાળી દેનાર વૃધ્ધ સામે ગુનો દાખલ થતા આવા વિચિત્ર નિયમ સામે રોષ ફેલાયો છે.
ગાંગડાની સીમમાં ગતરાત્રીના દીપડાએ વૃધ્ધ પર અને બાદમાં તેના પુત્ર પર હુમલો કર્યો હતો. વૃધ્ધ બાબુભાઇ નારણભાઇ સોલંકીએ પોતાના અને પોતાના પુત્રનો જીવ બચાવવા માટે દાંતરડું મારી દેતા દીપડાનું મોત થયુ હતું. સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધ બાબુભાઈ નારણભાઇ વાજા સામે વનવિભાગે દીપડાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દીપડો શેડયુલ વનમાં આવતું પ્રાણી છે એટલે તેની હત્યા મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉના પંથકમાં દીપડાઓ અવારનવાર હુમલા કરી માણસને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. રેવન્યુ વિસ્તારમાં ઘટના બને તો વનવિભાગ સંતોષ માની લે છે જંગલ વિસ્તારમાં દીપડા કોઈને ફાડી ખાય તો વળતર પણ ચૂકવવવામાં આવતું નથી પરંતુ વાડીમાં ચડી આવેલા દીપડાને સ્વ બચાવમાં મોતને ઘાટ ઉતારનાર વૃધ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવતા આવા વિચિત્ર નિયમ સામે નારાજગી વ્યાપી છે.



