SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ! | SIR Row in Gujarat: 9 88 Lakh Form 7 Filed to Delete Voters EC Silence Sparks Uproar

![]()
SIR in Gujarat: ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી વિવાદમાં રહી છે કેમકે, મતદારોના નામ રદ કરવા માટે લાખોની સંખ્યામાં વાંધા લેવાયાં છે. ચોંકાવે તેવી વાત એછેકે, ખોટા નામ, સહી હોવા છતાં ચકાસણી વિના ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે. એટલુ જ નહીં, ગુજરાતમાં 9.88 લાખ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. આ જોતાં કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોધાવ્યો છે. સાથે સાથે એવી માંગ કરવામાં આવી છેકે, ખોટા ફોર્મ-7 ભરનારાં સામે ફોજદારી રાહે ગુનો નોધવો જોઇએ.
BLOએ ના પાડી છતાં પણ અધિકારીઓએ ફોર્મ-7 સ્વીકાર્યા
રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે 70 લાખથી વઘુ મતદારોનું મેપિંગ થઇ શક્યુ નથી. ત્યાં મતદારોના નામ બારોબાર કરવાની પેરવી થઇ રહી છે, ત્યારે વિપક્ષોએ રાજ્ય ચૂંટણીપંચને નિશાન બનાવ્યુ છે કેમકે,ગુજરાતમાં એકે પણ વિધાનસભા બેઠક એવી નથી જ્યાં દસ હજારથી વઘુ ફોર્મ-7 ભરાયાં ન હોય. મહત્ત્વની વાત એછેકે, મતદારનું નામ રદ કરવા માટે ફોર્મ-7 ભરનારાં વ્યક્તિએ પુરાવા રજૂ કરવા ફરજિયાત છે છતાંય કોઈ ચોકસાઇ દાખવવામાં આવી નથી. એવો આક્ષેપ કરાયો છેકે, ખોટા નામ, ખોટી સહી હોવા છતાંય પણ ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે જે ગંભીર બેદરકારી છે. ગત વખત કરતાં આ વખતે લાખો વાંધા રજૂ થતાં શંકા જન્મી છે. આ ઉપરાંત બીએલઓ ના પાડી હોવા છતાંય અધિકારીઓએ ફોર્મ સ્વિકારી લીધા છે. 18મી જાન્યુઆરી અંતિમ તારીખ હોવાથી છેલ્લાં ત્રણેક દિવસમાં લાખો ફોર્મ-7 ભરાયાં છે જેના સીસીટીવી ફુટેજ જાહેર કરવા માંગ ઊઠી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચનો નિયમ છેકે, એકથી વધુ સ્થળે મતદાર તરીકે નામ હોય, ખોટા ફોર્મ-7 ભરાય તો જેલ-દંડની જોગવાઇ છે. આમ છતાંય લાખો ફોર્મ ભરાયાં છે. કોંગ્રેસના પ્રતિનિધીમંડળે રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરી કે, ખોટા ફોર્મ-7 ભરનારાની યાદી જાહેર કરો. એટલુ જ નહી, ખોટુ ફોર્મ-7 ભરાયુ હોય તો ફોજદારી રાહે પગલાં ભરો.
ઉલ્લેખનીય છેકે, મતદાર તરીકે નામ ઉમેરવા માટે 6.88 લાખ ફોર્મ-6 ભરાયાં છે. ટૂંકમાં નવા મતદારોના નામ ઉંમેરવા કરતાં મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ વધુ ભરાયાં છે. જોકે, રાજ્ય ચૂંટણીપંચ ફોર્મ-7ને લઇને કોઈ ફોડ પાડવા તૈયાર નથી.
પુરાવા રજૂ ન કરે તો ફોર્મ-7 રદ થાય, પણ કરાતા નથી
વાંધો ઉઠાવનાર અરજદાર પુરાવા રજૂ ન કરે તો, ફોર્મ-7 દફતરે થાય તેવી જોગવાઇ છે તેમ છતાંય રાજ્ય ચૂંટણીપંચ બીએલઓને ઘેર ઘેર મોકલી ચકાસણી કરાવે છે. પુરાવા વિનાના ફોર્મ-7 રદ કરવા માટે કાર્યવાહી થતી નથી. કોંગ્રેસનો આરોપ છેકે, રાજ્ય ચૂંટણીપેચનું કહેવુ છેકે,9 લાખથી વધુ ફોર્મ-7 મળ્યા છે ત્યારે દોઢ લાખ ફોર્મની એન્ટ્રી કરાઇ છે. તેનો અર્થ એકે, અન્ય લાખો ફોર્મ ખોટા છે.



