गुजरात

સરદાર પટેલ યુનિવસટીમાં એબીવીપીનો હંગામો : કુલપતિની ચેમ્બરને તાળાબંધી કરી | ABVP riots at Sardar Patel University: Vice Chancellor’s chamber locked



પીએચડીની પ્રવેશ પ્રક્રિયા, હોસ્ટેલની અગવડો મુદ્દે રજૂઆત 

રજિસ્ટ્રારને પ્રવેશતા અટકાવ્યા : કુલપતિને મળવાની માંગણી સાથે યુનિવર્સિટીના પ્રવેશદ્વાર ખાતે ધરણાં કરીને રામધૂન યોજી

આણંદ: રાજકીય પક્ષ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન એબીવીપી, આણંદના કાર્યકર્તાઓ દ્વારા ગુરૂવારે શિક્ષણનગરી વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીને બે કલાક સુધી બાનમાં લઈ રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવતા યુનિવસટીની કામગીરીમાં ખલેલ પહોંચી હતી. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ચેમ્બરને તાળાબંધી પણ કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર યુનિવર્સિટી ખાતે આવતા પ્રવેશ દ્વાર પાસે દરવાજા બંધ કરી તેઓને અટકાવવામાં આવતા રજિસ્ટ્રારે પરત જવાની ફરજ પડી હતી. 

રાજકીય પક્ષ પ્રેરિત એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા ૧૫ દિવસ પૂર્વે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા અને યુનિવર્સિટી સંલગ્ન વિવિધ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પડતી અગવડોને લઈ યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં ગુરૂવારે બપોરે એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીને બાનમાં લેતા લગભગ બે કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીના કુલપતિને મળવાની માંગ સાથે સૌ પ્રથમ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના પ્રવેશદ્વાર ખાતે ધરણાં કરી રામધૂન યોજી હતી. લગભગ અડધો કલાક સુધી પ્રદર્શન કરવા છતાં યુનિવસટીના કુલપતિ ન આવતા જોશમાં આવી ગયેલા વિદ્યાર્થીઓ કુલપતિની ચેમ્બર સુધી ધસી ગયા હતા, જ્યાં તેઓએ ચેમ્બરને તાળાબંધી કરી રામધૂન સાથે ભારે સૂત્રોચાર કર્યાે હતો. બીજી તરફ યુનિવર્સિટીની સામે જ આવેલા ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કુલપતિ વ્યસ્ત હોવાના કારણે તેઓ ન આવતા એબીવીપીના કાર્યકરો વિફર્યા હતા અને યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારને બંધ કરી ઘેરાવો કર્યોે હતો. દરમિયાન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભઈલાલભાઈ પટેલ આવી ચઢતા એબીવીપીના કાર્યકરોએ તેઓને પણ યુનિર્સિટીમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને કુલપતિને હાજર કરવાની માંગ કરતા રજિસ્ટ્રારને યુનિવર્સિટીના પ્રવેશદ્વાર બહારથી જ પરત ફરવું પડયું હતું. રાજ્યના કૃષિ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કુલપતિ નિરંજનભાઇ પટેલ યનિવર્સિટી ખાતે આવી ચઢતા એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કરી કુલપતિને વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જોકે કુલપતિ નિરંજન ભાઈ પટેલે પણ રજૂઆત કરી રહેલા વિદ્યાર્થીઓ હાથ લાંબા કરીને રજૂઆત કરતા હોવાથી હાથ નીચે રાખીને રજૂઆત કરવાની ટકોર કરી હતી. આ અંગે  સત્તાધિશોએ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઇ આ અંગે કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. તેમ  છતાં એબીવીપીના કાર્યકરો ટસના મસ થયા નહોતા અને વિરોધ ચાલુ રાખતા સત્તાધીશોએ પોતાના આગળના કાર્યક્રમો તરફ પ્રયાણ કર્યું હતું. 

– એબીવીપીના કાર્યકરોએ પ્રસિદ્ધિ મેળવવા કુલપતિ પદને લાંછન લાગે તેવા સૂત્રોચાર કર્યાની ચર્ચા

એબીવીપીના કાર્યકરોએ જુઠ્ઠી પ્રસિદ્ધિ મેળવવાના હેતુસર યુનીના કુલપતિ પદને લાંછન લાગે તેવા સૂત્રોચાર કર્યા હતા. ‘વીસી હમસે ડરતા હૈ, બાઉન્સર કો આગે કરતા હૈ’ અને ‘વીસી તુમ એક કામ કરો, ખુરશી છોડ કે આરામ કરો’, તેવા સુત્રોચાર કરી એબીવીપીના કાર્યકરોએ વિદ્યાર્થી જગતને પણ લાંછન લાગે તેવું વર્તન કર્યું હોવાની ચર્ચાઓ યુનિવર્સિટી સંકુલમાં વહેતી થઈ હતી.

– વર્ષો પૂર્વે રજૂઆત કરવા જતા એનએસયુઆઈના 

કાર્યકરોની અટકાયત થતી હતી

કેટલાક વર્ષો પૂર્વે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ સરદાર પટેલ યુનિવસટીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવતી હતી. જે-તે સમયે જ્યારે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાનો હોય ત્યારે વિદ્યાનગર પોલીસને પહેલેથી જ ખબર પડી જતી હતી અને પોલીસ અટકાયતની તમામ તૈયારીઓ સાથે કાર્યક્રમ પહેલા જ યુનિવર્સિટી ખાતે ગોઠવાઈ જતી હતી અને મોટાભાગના કાર્યક્રમોમાં એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવતી હતી. જોકે ગુરૂવારે યોજાયેલા એબીપીના વિરોધ પ્રદર્શનમાં વિદ્યાનગર પોલીસના જવાનો યુનિર્સિટી ખાતે હાજર હોવા છતાં કોઈપણ જાતના અટકાયતી પગલાં ભરવામાં ન આવતા પોલીસ પણ રાજકીય હાથો બની હોવાનો સૂર ઉઠયો હતો.



Source link

Related Articles

Back to top button