गुजरात

ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસથી હેડ કોન્સ્ટેબલે મોતને વ્હાલુ કર્યું હતું | Head constable commits suicide due to mental torture by Ghogha PSI



પીએસઆઈ ગૌસ્વામી વિરૂદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

પીએસઆઈના ત્રાસના કારણે આપઘાત કર્યાંના પરિવારજનોના આક્ષેપ બાદ સપ્તાહ પછી ફરિયાદ નોંધાઈ

ભાવનગર: ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ગત બુધવારે સાંજે ભુતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીધી હતી. જેનું ગુરૂવારના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસકર્મીના મોત બાદ પરિવારજનો દ્વારા ઘોઘા પીએસઆઈના માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યા હોવાના આક્ષેપો થયાં હતા અને આ મામલે કરણીસેના અને ક્ષત્રિય સમાજે જિલ્લા પોલીસવડાને રજૂઆત કર્યાં બાદ ઘટનાના એક સપ્તાહ પછી ઘોઘા પીએસઆઈ સામે ગુનો નોંધાયો છે.

ઘોઘા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ગત તા.૨૧ જાન્યુઆરીની સાંજે ઘાઘો તાલુકાના ભુતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બાદ બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ કર્મચારીના મોત મામલે મૃતકના પરિવારજનોએ ઘોઘા પીએસઆઈ બી.કે.ગૌસ્વામીના ત્રાસના કારણે ઝેરી દવા પીધી હોવાના આક્ષેપો કર્યાં હતા. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી થતાં કરણીસેના અને ક્ષત્રિય સમાજ દ્વારા આ મામલે પીએસઆઈ ગૌસ્વામી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને રાજ્યવ્યાપી આંદોલનનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને અંતે ઘટનાના એક સપ્તાહ બાદ ઘોઘા પીએસઆઈ સામે ગુનો નોંધાયો છે. મૃતક પોલીસકર્મી દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ કસળસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પુત્રએ ઘોઘા પીએસઆઈ બી.કે.ગૌસ્વામીએ આપેલી મારામારી અને ચોરીના કેસની તપાસ લેવાની ના પાડતા તેમની વચ્ચે વાંધો પડયો હતો અને ત્યારેથી પીએસઆઈ તેમના દિકરાને પેન્ડિંગ તપાસનો નિકાલ કરવા તથા સીક રજા પર હાજર થવા નોટિસો આપી, સીક લીવ પર હોવા છતાં લોકેશન માંગી ચેક કરવા આવી કેરિયર ખતમ કરી દેવાની અને જિલ્લા બહાર બદલી કરાવી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા અને તેમના દિકરાથી આ ત્રાસ સહન નહી થતાં મરવા મજબુર કરતા તેમના દિકરાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કામનું ભારણ હળવું કરવા મૃતકના પિતા પણ મદદે જતાં

મૃતક પોલીસકર્મીના પિતા જયદેવસિંહ નિવૃત્ત પોલીસ કર્મચારી હતા. તેમના દિકરાના કામનું ભારણ હળવું કરવા અને જુના પેન્ડિંગ કેસના ઝડપી નિકાલ માટે દિકરાની મદદ માટે પોલીસ સ્ટેશન જઈ કામમાં મદદ કરતા હતા.

૭૨ કલાકમાં ભાવનગર પોલીસના બે પીએસઆઈ સામે ગુનો નોંધાયો

બગદાણા પ્રકરણે વગોવાયેલી ભાવનગર પોલીસ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે. તેની વચ્ચે છેલ્લા ૭૨ કલાકમાં ભાવનગર પોલીસબેડાના બે પીએસઆઈ સામે ગુનો નોંધાયા છે. જેમાં ગત તા.૨૬ના રોજ ખુટવડા પીએસઆઈ યાદવ સામે યુવકને માર મારવા મામલે જ્યારે ગત મોડી રાત્રે ઘોઘા પીએસઆઈ સામે હેડ કોન્સ્ટેબલને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવા અંગેનો ગુનો નોધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.



Source link

Related Articles

Back to top button