વાઘોડિયા રોડ પર ટેમ્પો ટ્રાવેલરે રિક્ષાને ટક્કર મારતા ૭ મહિનાના બાળકનું મોત | 7 month old baby dies after tempo traveler hits rickshaw on Waghodia Road

![]()
વડોદરા,વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી ચાર રસ્તા પાસે ટેમ્પો ટ્રાવેલરને રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં માતા સાથે જતા ૭ મહિનાના બાળકનું મોત થયું છે. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો રિક્ષા ડ્રાઇવર ભાવેશ દિનેશભાઇ કહાર ગત ૨૫ મી તારીખે વહેલી સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડીને વાઘોડિયા ગામ નજીક આવેલી યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે તેણે ત્રણ મુસાફરોને વૃંદાવન ચાર રસ્તા જવા માટે રિક્ષામાં બેસાડયા હતા. સવારે ૭ વાગ્યે વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે જમણી તરફ ટર્ન લેતા રિક્ષામાં આશાબેન નરેશભાઇ ભાભોર (રહે. નવી બંધાતી સાઇટ પર, અણખોલ ગામ પાસે, મૂળ રહે. દાહોદ) તથા તેમનો ૭ મહિનાનો પુત્ર રૃદ્ર તેમજ અન્ય એક મુસાફર સંજય નારાયણભાઇ રાઠવા નીચે પડી ગયા હતા. આશાબેનને પગના સાથળ પર તેમજ દાઢીના ભાગે ઇજા થઇ હતી. જ્યારે તેમના ૭ મહિનાના બાળકને જમણા કાન તથા મગજમાં ઇજા થઇ હતી. સંજય રાઠવાને પણ કપાળના ભાગે ઇજા થઇ હતી.સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.



