આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ દર્દીઓ | Today is World Leprosy Day: 64 patients in Gandhinagar district in the last three years

![]()
જિલ્લામાં દસ હજારની વસ્તીએ એક કેસથી ઓછો દર
૩૦ દર્દીઓ સારવાર હેઠળ હોવાનો તંત્રનો દાવો ઃ એમડીટીથી રક્તપિત્ત સંપુર્ણ દૂર થઇ શકે છે ઃ ‘સ્પર્શ‘ પખવાડિયું ચલાવાશે
ગાંધીનગર : ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર પ્રતિ ૧૦,૦૦૦ વસ્તીએ એક
કરતા પણ ઓછો નોંધાયો છે, જેમાં
ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લા આરોગ્યતંત્રના આંકડાઓ પર નજર કરીએ
તો છેલ્લા ત્રણ વર્ષમાં ૬૪ જેટલા રક્તપિત્તના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે જે
પૈકી હાલ ૩૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રક્તપિત્ત સામે દર્દીને શારીરિક રીતે
રોગ મટાડવાની સાથે માનસિકરીતે પણ દર્દીને સ્વસ્થ કરવાની સરકાર તથા સમાજની મોટી
જવાબદારી છે.
ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૩-૨૪માં રક્તપિત્તના કુલ ૨૭ દર્દીઓ
નોંધાયા હતા, જેમાંથી
૨૬ દર્દીઓએ મલ્ટી ડ્રગ થેરાપીની સંપૂર્ણ સારવાર લઈ સફળતાપૂર્વક રિકવરી મેળવી
હતી.જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૨૭ નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી ૧૭
દર્દીઓએ અસરકારક ટ્રીટમેન્ટ પૂર્ણ કરી છે.તો ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધી ૨૦
નવા દર્દીઓ નોંધાયા છે.હાલની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં કુલ ૩૦ દર્દીઓ સરકારની
નિશુલ્ક સારવાર હેઠળ છે. આ આંકડા દર્શાવે છે કે તંત્ર દ્વારા સતત સર્વેલન્સ અને
સચોટ નિદાનને કારણે રોગચાળાને કાબૂમાં રાખવામાં સફળતા મળી રહી છે.
સમગ્ર વિશ્વમાં ૩૦ જાન્યુઆરીને ‘વિશ્વ રક્તપિત્ત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે
છે. આ અવસરે ગુજરાત સરકાર દ્વારા રક્તપિત્ત નાબૂદી માટેના પ્રયાસોને વધુ વેગ આપતા ‘સ્પર્શ રક્તપિત્ત
જાગૃતિ અભિયાન- પખવાડિયા‘નો પ્રારંભ
કરવામાં આવ્યો છે. આવતીકાલથી શરૃ થનારું આ અભિયાન ૧૩ ફેબુ્રઆરી સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ સમાજમાંથી
રક્તપિત્ત પ્રત્યેનો ડર અને અછૂતપણાની ભાવના દૂર કરી દર્દીઓને સન્માનજનક જીવન આપવાનો
છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર,
રક્તપિત્ત એ હાથ મિલાવવાથી કે સામાન્ય સ્પર્શથી ફેલાતો રોગ નથી, એટલુ જ નહીં, સમયસરની સારવારથી
તે સંપૂર્ણપણે મટી શકે છે.રક્તપિત્ત માત્ર શારીરિક બીમારી નથી, પરંતુ તેની સાથે જોડાયેલી
સામાજિક માન્યતાઓ દર્દીને માનસિક રીતે તોડી નાખે છે. આ પખવાડિયા દરમિયાન સરકારી તંત્ર
દ્વારા ગામેગામ અને શહેરોમાં એ સંદેશ પહોંચાડવામાં આવશે કે રક્તપિત્તના દર્દી સાથે
ભેદભાવ રાખવાની જરૃર નથી.


