EUનો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર સકંજો, આતંકી સંગઠન જાહેર કરશે, ફ્રાંસનું સમર્થન | EU to Declare Iran’s Revolutionary Guards IRGC a Terrorist Group France Supports the Move

![]()
European Union On Iran Revolutionary Guards : ઈરાનમાં વિરોધ પ્રદર્શનો પર કરવામાં આવેલા ઘાતક દમનને પગલે હવે યુરોપિયન યુનિયન (EU) ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર’ (IRGC)ને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવ ઈટાલી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેને ફ્રાન્સે પણ સમર્થન આપ્યું છે. ગુરુવારે મળનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં પ્રસ્તાવ પર મહોર વાગવાની શક્યતા છે.
અનેક દેશોએ IRGCને આતંકી સંગઠન જાહેર કર્યું
ઈટાલીના નેતૃત્વમાં તૈયાર કરાયેલા આ પ્રસ્તાવને હવે ફ્રાન્સ, જર્મની અને સ્પેન જેવા અગ્રણી દેશોનો સાથ મળ્યો છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોતે જણાવ્યું હતું કે ઈરાની જનતાના શાંતિપૂર્ણ વિદ્રોહ પર કરવામાં આવેલી હિંસાનો જવાબ આપવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પહેલેથી જ IRGC ને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે. જો EUની આ યાદીમાં નામ સામેલ થશે તો IRGCના સભ્યો પર મુસાફરી પ્રતિબંધ, મિલકત જપ્તી અને ફંડ મેળવવા પર કડક રોક લાગશે.
આ પણ વાંચો : અમેરિકા બાદ હવે સાઉદી અરેબિયાએ વિઝા નિયમો કડક કર્યા, 4 પોસ્ટ પર વિદેશીઓને ‘નો એન્ટ્રી’
શા માટે લેવાયો આ નિર્ણય?
યુરોપિયન યુનિયનના આ રોષ પાછળ ઈરાનમાં નવેમ્બર-ડિસેમ્બર 2025થી શરૂ થયેલા મોટાપાયે વિરોધ પ્રદર્શનો જવાબદાર છે. મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલા દેખાવોમાં ઈરાની દળોએ કરેલી કાર્યવાહીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (HRANA)ના અહેવાલ મુજબ આ હિંસામાં અંદાજે 6,221 લોકોના મોત થયા છે, જેમાં 100થી વધુ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 42,300 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાન સરકાર આ મૃતકોને ‘આતંકવાદી’ ગણાવી રહી છે, પરંતુ યુરોપિયન દેશો તેને માનવા તૈયાર નથી.
આ પણ વાંચો : ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ



