AMC સ્કૂલ બોર્ડનું અજબ-ગજબ બજેટ: વિદ્યાર્થીઓ હવે AIના પાઠ સાથે ભરત-ગૂંથણ અને ઝરીકામ પણ શીખશે! | AMC School Board Budget 2026 27 ₹1205Cr Plan Blends AI Robotics with Traditional Zardosi Art

![]()
AMC School Board Budget 2026-27: વૈશ્વિક સ્તરે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એક અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. વર્ષ 2026-27 માટેનું રૂપિયા 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ શાળાના બાળકોને એક તરફ ‘રોબોટિક્સ’ અને ‘AI’ ના પાઠ ભણાવવાની વાતો છે, તો બીજી તરફ તેમને ‘ભરત-ગૂંથણ’ અને ‘ઝરીકામ’ જેવી વર્ષો જૂની હસ્તકલા શીખવવાનું પણ આયોજન છે. આ આધુનિકતા અને પરંપરાના સંગમ વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે આ હાઈટેક બનવાની તૈયારી છે કે પછી શિક્ષણમાં રિવર્સ ગિયર?
રૂ.1205 કરોડનું બજેટ: ક્યાં વપરાશે આટલા પૈસા?
ડૉ. એલ.ડી. દેસાઈ દ્વારા રજૂ કરાયેલા રૂ. 1200 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સભ્યોના સૂચનો બાદ રૂ. 5 કરોડનો વધારો કરીને રૂ. 1205 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. ગત વર્ષે બજેટ રૂ. 1155 કરોડ હતું, એટલે કે આ વખતે રૂ. 50 કરોડનો વધારો કરાયો છે.
બજેટની વહેંચણી પર એક નજર
બજેટનો સિંહફાળો એટલે કે 86% થી વધુ રકમ તો માત્ર પગાર અને પેન્શનમાં જ વપરાઈ જવાની છે, ત્યારે બાકી વધેલા બજેટમાં AI અને ભરતકામના સાધનો કેવી રીતે મેનેજ થશે તે જોવું રહ્યું.
એક હાથમાં ટેકનોલોજી, બીજા હાથમાં સોય-દોરો!
બજેટમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો ‘સ્કીલ ડેવલપમેન્ટ’નો છે. મ્યુનિસિપલ બોર્ડે નક્કી કર્યું છે કે, બાળકોને હવે ‘પુસ્તકિયું જ્ઞાન’ના બદલે વ્યવહારુ જ્ઞાન અપાશે. આ માટે:
AI લેબ અને સોફ્ટવેર: રૂ. 1 કરોડની જોગવાઈ સાથે બાળકોને આધુનિક શિક્ષણ અપાશે.
પરંપરાગત કલા: AI ની સાથે જ વિદ્યાર્થીઓને ભરત-ગૂંથણ, હાથવણાટ અને ઝરીકામ પણ શીખવાડવામાં આવશે.
ઓલિમ્પિકનું સપનું અને તેજસ્વીઓને સ્કોલરશીપ
શહેરના બાળકોને રમતગમતના ક્ષેત્રે તૈયાર કરવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં તેમને ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓ માટે પ્રોફેશનલ કોચિંગ અપાશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8 મ્યુનિસિપલ શાળામાં પૂર્ણ કર્યા હોય અને આગળ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લે, તેમના માટે રૂ. 10 કરોડની સ્કોલરશીપ જાહેર કરાઈ છે.
નવી શાળાઓ અને સ્માર્ટ ક્લાસ
હાલ શહેરમાં 204 સ્માર્ટ શાળાઓ છે, જેમાં વધુ 54 નવી સ્માર્ટ શાળાઓ ઉમેરાશે. ઉપરાંત, શહેરના વધતા વિસ્તારને પહોંચી વળવા 36 નવી શાળાઓના નિર્માણનું પણ આયોજન છે. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ પાછળ પણ રૂ. 22 કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું આ બજેટ આંકડાકીય રીતે મોટું જરૂર છે, પરંતુ તેમાં જે રીતે ‘AI’ અને ‘ઝરીકામ’ ને એક જ પલ્લામાં રાખવામાં આવ્યા છે, તે શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું નવી પેઢી આ બંને વિરોધાભાસી કૌશલ્યોને એકસાથે સ્વીકારી શકશે?



