ભારત-EU ડીલથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું! ટ્રમ્પના ખાસ ગણાતા બેસેન્ટે આપી ચેતવણી | us slams europe over india eu trade deal

![]()
India EU Trade Deal : અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ અંગે યુરોપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ડીલથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે યુરોપિયન યુનિયને યુક્રેનના સમર્થન કરતા પોતાના વ્યાપારિક હિતોને વધુ પ્રાથમિકતા આપી છે.
CNBC સાથેની વાતચીતમાં સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે, ભારત અને EU વચ્ચે મંગળવારે અનેક વર્ષોની વાતચીત બાદ આ સમજૂતી થઈ છે, જે ખૂબ જ નિરાશાજનક છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને આ સમજૂતીને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી છે. આ અંગે બેસેન્ટે કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે પોતાના માટે જે યોગ્ય લાગ્યું તે કર્યું, પરંતુ સાચું કહું તો યુરોપનું આ વલણ મને અત્યંત નિરાશાજનક લાગ્યું છે.
ભારત પરના અમેરિકી ટેરિફથી EUએ અંતર જાળવ્યું
બેસેન્ટે આરોપ લગાવ્યો કે, યુરોપિયન દેશો ભારત પાસેથી રિફાઈન્ડ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે, જે રશિયન તેલમાંથી બનેલી છે. જ્યારે તેઓ ભારત પર અમેરિકાના કડક વલણ અને વ્યાપાર નીતિનો સાથ આપવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, અમેરિકાએ ગત વર્ષે ભારતીય સામાન પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, પરંતુ EUએ આ પગલાનું સમર્થન કર્યું નહીં, કારણ કે તેઓ ભારત સાથે પોતાનો વ્યાપારિક કરાર કરવા માંગતા હતા. બેસેન્ટે ઉમેર્યું કે, યુરોપ અમારી સાથે જોડાવા તૈયાર નહોતું અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેની પાછળનું મુખ્ય કારણ આ ટ્રેડ ડીલ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે યુરોપની આ નીતિ યુક્રેન અંગેના તેના નિવેદનોને નબળા પાડે છે. જ્યારે પણ કોઈ યુરોપિયન નેતા યુક્રેનના લોકોના હિતની વાત કરે ત્યારે યાદ રાખજો કે તેમણે વેપારના મામલે યુક્રેન કરતા પોતાને ઉપર રાખ્યા છે.
‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (Mother of All Deals) નો હેતુ શું છે?
ભારત-EU વ્યાપાર સમજૂતીનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચે વેપાર વધારવાનો અને અમેરિકા પર યુરોપની નિર્ભરતા ઘટાડવાનો છે. બ્રસેલ્સ (EU મુખ્યાલય) ના જણાવ્યા અનુસાર, આ ડીલ હેઠળ વેપાર થતી લગભગ 97 ટકા ચીજવસ્તુઓ પર ટેરિફ (આયાત જકાત) નાબૂદ અથવા ઘટાડવામાં આવશે. આનાથી 2032 સુધીમાં ભારત માટે EU ની નિકાસ બમણી થઈ શકે છે અને યુરોપિયન કંપનીઓને અંદાજે 4 અબજ યુરોની ડ્યૂટીમાં બચત થશે.
અમેરિકા-યુરોપ વ્યાપાર સંબંધોમાં તણાવ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકા અને યુરોપ વચ્ચેના વ્યાપાર સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. અમેરિકી અધિકારીઓ નારાજ છે કે EUએ જુલાઈમાં વોશિંગ્ટન સાથે થયેલા ફ્રેમવર્ક એગ્રીમેન્ટ મુજબ ટેરિફમાં ઘટાડો કરવાના વચનોનો અમલ કર્યો નથી.
ઊર્જા વેપારને લઈને યુરોપ પર નિશાન
ABC ન્યૂઝ સાથેની વાતચીતમાં બેસેન્ટે કહ્યું કે, “અમે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા બદલ તેમના પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે, પરંતુ યુરોપે ભારત સાથે ટ્રેડ ડીલ સાઈન કરી લીધી. આ રીતે યુરોપિયન દેશો ઊર્જા વેપાર દ્વારા પોતાની જ સુરક્ષા નીતિને નબળી પાડી રહ્યા છે.”
ભારત પરના ટેરિફમાં રાહતના સંકેત
ટ્રમ્પ પ્રશાસને ભારતીય સામાન પર 50 ટકા સુધી ટેરિફ લગાવ્યા છે (જેમાં 25 ટકા રશિયન તેલના કારણે છે). જોકે, બેસેન્ટે હવે રાહતના સંકેત આપતા કહ્યું કે ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઘટાડો થયો છે, તેથી ભવિષ્યમાં આ ટેરિફ હટાવવા માટેનો કોઈ રસ્તો નીકળી શકે છે.



