વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | encroachments removed from behind on Alkapuri Main Road Khanderao Market Vadodara

![]()
Vadodara Demolition : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણનો સફાયો થઈ રહ્યો છે ત્યારે અલકાપુરી મેઇન રોડના વોર્ડ નં. 8ના વિવિધ રોડ રસ્તા પરના ગેરકાયદે દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન અને ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ નં. 13માં રોડ રસ્તા પર ગેરકાયદે ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓના પથારાના દબાણ મળી કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગેરકાયદે દબાણો અંગે કરેલી લાલ આંખ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 8માં અલકાપુરી મેઇન રોડ રસ્તા પરના ગેરકાયદે લારી ગલ્લા પથારા શેડ સહિત અન્ય દબાણો દૂર કરીને બે ટ્રક જેટલો માલ સામાન દબાણ શાખાએ કબજે લીધો હતો.
એવી જ રીતે વોર્ડ નં. 13માં ખંડેરાવ માર્કેટ પાછળ કાયમી ધોરણે ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓ રોડ રસ્તા પર મૂકીને દુકાનદારો દ્વારા દબાણો કરવામાં આવે છે પરિણામે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા કરે છે. આ વિસ્તારમાં આજે ત્રાટકેલી દબાણ શાખાની ટીમે શરૂ કરેલી કાર્યવાહીમાં એક ટ્રક જેટલો માલસામાન મળી કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.



