गुजरात

નર્મદા TDO પતિ-પત્નીનો ખટરાગ: પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધૂ સામે હુમલાની FIR | Narmada TDO Row Deepens as Mother Files FIR Against Daughter in Law Over Assault Claims



Dowry Case In Narmada: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોનીનો પારિવારિક વિવાદ વધુ વકર્યો છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે TDOના માતા જશોદાબેન સોનીએ પોતાની પુત્રવધૂ પ્રિયંકા સોની સામે શારીરિક હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ પત્ની પ્રિયંકાએ ટીડીઓ અને સાસરી પક્ષ સામે રાજસ્થાનમાં 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી.

સાસુનો આરોપ: ‘ગળું દબાવીને પતાવી દેવાની ધમકી આપી’

જશોદાબેન સોનીએ પોલીસ ફરિયાદમાં 20મી ઓક્ટોબર 2025ના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી તેમના પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘આજે તો તને પતાવી દઈશ. મારો પતિ જે કમાય છે તે પૈસાનો બધો હિસાબ મને મળવો જોઈએ, તું કેમ રાખે છે?’

આક્ષેપ મુજબ, પ્રિયંકાએ સાસુને ધક્કો મારી બેડ પર પાડી દીધા હતા અને તેમની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું હતું. આ હુમલામાં જશોદાબેનને માથાના ભાગે ઈજાઓ થઈ હતી અને તેમના ડાબા હાથની ટચલી આંગળી પણ મચોડી નાખવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ટીડીઓ જગદીશ સોનીએ આ અંગેના સીસીટીવી ફૂટેજ અને મેડિકલ પુરાવા પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.

આ પણ વાંચો: ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિ, બે ઉમેદવારોએ ગજબનું કાવતરું ઘડયું

પત્નીનો પક્ષ: ’50 લાખના દહેજની માંગ અને અત્યાચાર’

બીજી તરફ, રાજસ્થાનની વતની પ્રિયંકા સોનીએ અગાઉ રાજસ્થાનમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે, લગ્ન બાદ પતિ દ્વારા 50 લાખ રૂપિયાના દહેજની માંગણી કરવામાં આવી હતી. પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું ઘડાયું હતું. તેની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધી વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.

વહીવટી અધિકારીના અંગત જીવનનો વિવાદ ચર્ચામાં

TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે, ‘પત્ની વારંવાર પિયર જતી રહેતી અને રોકડ તેમજ સોનાના ઘરેણાંની માંગ કરતી હતી. આ મામલે અગાઉ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં બંને પક્ષો પાસે પોતપોતાના દાવાઓના સમર્થનમાં ઓડિયો-વીડિયો પુરાવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.’

આ કિસ્સો અત્યંત સંવેદનશીલ વળાંક પર છે. એક તરફ પત્નીએ ‘દહેજ અને માનસિક અત્યાચાર’ને હથિયાર બનાવ્યું છે, તો બીજી તરફ સાસુએ ‘વૃદ્ધા પર શારીરિક હુમલા’ની ફરિયાદ કરી છે. જ્યારે કોઈ હાઈ-પ્રોફાઈલ સરકારી અધિકારી સંકળાયેલા હોય ત્યારે આવા કિસ્સામાં સત્ય શું છે તે પોલીસની તટસ્થ તપાસ અને કોર્ટના ચૂકાદા બાદ જ સ્પષ્ટ થશે.



Source link

Related Articles

Back to top button