અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe Demand for Aadhaar Card Exposed ACB Traps Three at Saraspur Civic Centre

![]()
Ahmedabad ACB Raid: અમદાવાદમાં ACBએ સરસપુર વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ બનાવવાના બહાને નાગરિકો પાસેથી હજારો રૂપિયાની લાંચ માંગતા પટાવાળા, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એક વ્યક્તિની ટોળકીને રંગેહાથ ઝડપી પાડી છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય શખ્સે ફરિયાદી પાસે નવું આધારકાર્ડ બનાવવા માટે 32 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આ પછી ACBએ છટકું ગોઠવીને ત્રણેયને રંગેહાથે ઝડપી લીધા હતા.
32 હજાર રૂપિયાની માંગણી કરી
મળતી માહિતી અનુસાર, એક ફરિયાદીએ નવું આધાર કાર્ડ બનાવવા માટે સરસપુર સિવિક સેન્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યાં ફરજ બજાવતા પ્યુન જય પંચોલીએ આ કામ માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. તેણે રાયપુર અર્બન હેલ્થ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી વતી પહેલા 25 હજાર રૂપિયા અને ત્યારબાદ વધુ 7 હજાર રૂપિયા મળી કુલ 32 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ જય પંચોલીએ સંદીપ પ્રજાપતિ નામના અન્ય એક યુવકને આપવા માટે ફરિયાદીને સૂચના આપી હતી.
આ પણ વાંચો: ભરૂચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે
ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું
પોતાનું કામ કાયદેસર હોવા છતાં લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. જ્યારે લાંચના નાણાંનો વ્યવહાર થઈ રહ્યો હતો ત્યારે જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. ACB એ પ્યુન જય પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને વચેટિયા સંદીપ પ્રજાપતિની ધરપકડ કરી છે. હાલમાં આ સમગ્ર મામલે ગુનો નોંધીને લાંચિયાઓની આ ટોળકી અન્ય કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


