અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader Moid Khan acquitted in Ayodhya gangrape case

![]()
Ayodhya Gangrape Case: અયોધ્યાના ભાદરસાના ચર્ચિત ગેંગ રેપ કેસમાં બુધવારે એક મોટો ન્યાયિક ચુકાદો આપવામાં આવ્યો. સ્પેશિયલ પોક્સો જજ નિરુપમા વિક્રમની કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદો પોક્સો ફર્સ્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેનાથી લગભગ છ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસનો અંત આવ્યો છે.
કોર્ટે 14 જાન્યુઆરીના રોજ અંતિમ સુનાવણી બાદ પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યે મોઈદ ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
આ મામલો 29 જુલાઈ, 2024ના રોજ પુરાકલંદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. સગીર બાળકી સાથે ગેંગરેપનો આરોપ સામે આવતાની સાથે જ જિલ્લામાં રાજકીય અને વહીવટી ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન મોઈદ ખાન અને તેના નોકર રાજુ ખાનના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA નેગેટિવ, જ્યારે રાજુ ખાનનો DNA પોઝિટિવ આવ્યો હતો.
પીડિતાના સમર્થનમાં ફરિયાદી પક્ષે કોર્ટમાં કુલ 13 સાક્ષીઓ રજૂ કર્યા હતા. કોર્ટે DNA રિપોર્ટ સહિત તમામ પુરાવા, જુબાની અને વિવેચનાની સંપૂર્ણ તપાસ કર્યા બાદ મોઈદ ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. બીજી તરફ નોકર રાજુ ખાન સામે કેસની સુનાવણી ગુરુવારે થશે, જ્યાં તેને સજા સંભળાવવામાં આવી શકે છે.
નિર્દોષ જાહેર થવાના પ્રમુખ આધાર
DNA રિપોર્ટમાં મોઈદ ખાનનો DNA મેચ ન થયો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઘટના દરમિયાન એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટમાં કોઈ વીડિયો પુરાવા રજૂ કરવામાં ન આવ્યા. પોલીસ તપાસમાં ઘટનાસ્થળના સ્થાન અંગે ગંભીર વિરોધાભાસ સામે આવ્યા, ક્યારેક બેકરીની બહાર ઝાડ નીચે, તો ક્યારેક બેકરીની અંદર ઘટના ઘટી હોવાનું જણાવવામાં આવ્યું. કોર્ટમાં પીડિતાની માતાએ સ્વીકાર્યું કે રાજકીય દબાણ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વકીલ અને પ્રોસિક્યૂટરની પ્રક્રિયા
મોઈદ ખાનના વકીલ સઈદ ખાને કહ્યું કે, કોર્ટે તથ્યો અને પુરાવાઓના આધારે ન્યાયી નિર્ણય આપીને મારા અસીલને નિર્દોષ જાહેર કર્યા છે. શરૂઆતથી જ તપાસમાં વિરોધાભાસ સામે આવતા રહ્યા છે, જેને અંતે કોર્ટ સામે સ્પષ્ટ થયા. બીજી તરફ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વીરેન્દ્ર કુમારે કહ્યું કે, આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
બુલડોઝર કાર્યવાહી પણ રહી વિવાદનું કેન્દ્ર?
આ મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્રએ મોઈદ ખાનની બેકરી અને બે માળના શોપિંગ કોમ્પ્લેક્સને બુલડોઝર ફેરવ્યું હતું, જેના કારણે તે સમયે વ્યાપક રાજકીય વિવાદ ઊભો થયો હતો. કોર્ટના આ નિર્ણયથી મોઈદ ખાનના સમર્થકો અને પરિવારને મોટી રાહત મળી છે અને બીજી તરફ આ કેસ ફરી એકવાર ન્યાયિક પ્રક્રિયા અને રાજકીય હસ્તક્ષેપ અંગે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શું-શું થયું?
પુરાકલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષની એક સગીર બાળકી સાથે રેપ અને બ્લેકમેલિંગના આરોપ લાગ્યા હતા. આરોપ હતો કે, અશ્લીલ વીડિયો બનાવીને લાંબા સમય સુધી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલો 29 જુલાઈ, 2024ના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે પીડિતા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું. પીડિતાની માતાએ બેકરીના માલિક મોઈદ ખાન અને તેના નોકર રાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપો બાદ બંનેની ધરપકડ કરવામાં આવી. પીડિતા ચાર બહેનોમાં સૌથી નાની છે. તેના પિતાનું બે વર્ષ પહેલાં જ નિધન થયું હતું. પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આરોપો, વિરોધ-પ્રદર્શન અને રાજકીય પ્રતિક્રિયા વચ્ચે તપાસ આગળ વધી, અને અંતે DNA પુરાવા નિર્ણાયક સાબિત થયા.
આ પણ વાંચો: અયોધ્યામાં સગીરા પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડૉઝર ફરી વળ્યું
સમગ્ર ઘટનાક્રમ
– 29 જુલાઈ, 2024 FIR નોંધાઈ
– 30 જુલાઈ, 2024 મોઈદ ખાન અને રાજુની ધરપકડ
– 1 ઓગસ્ટ, 2024 આ મામલો વિધાનસભામાં ઉઠ્યો
– 3 ઓગસ્ટ, 2024 બેકરી પર બુલડોઝર કાર્યવાહી
– 6 ઓગસ્ટ, 2024 KGMUમાં પીડિતાનો ગર્ભપાત, ગર્ભનો DNA સેમ્પલ
– 7 ઓગસ્ટ, 2024 આરોપીના DNA સેમ્પલ
– 30 સપ્ટેમ્બર, 2024 સીલબંધ DNA રિપોર્ટ રજૂ, રાજુના સેમ્પલ મેચ થયા
– જાન્યુઆરી 2026 મોઈદ ખાન નિર્દોષ જાહેર



