નશાકારક કફ સીરપની 2520 બોટલ સાથે અમદાવાદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Ahmedabad arrested with 2520 bottles of intoxicating cough syrup

![]()
– સાણંદ તાલુકાના મટોડા ગામમાં
– રૂ. 4.15 લાખની કફ સીરપ સહિત 8.16 લાખનો મુદ્દામાલ જપ્ત : ચાંગોદર પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધ્યો
સાણંદ : સાણંદ તાલુકાના મટોડા ગામમાં નશાકારક કફ સીરપની ૨૫૨૦ બોટલ સાથે અમદાવાદના બે શખ્સ ઝડપાયા છે. પોલીસે રૂ.૪.૧૫ લાખની કફ સીરપ સહિત ૮.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાંગોદર પોલીસ મથકે પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો છે.
સાણંદ તાલુકાના મટોડા ગામમાં રહેતા સીજલો ચુનારા તથા ટીનો ચુનારાએ અમદાવાદના પ્રદિપ કનોજીયા પાસેથી પ્રતિબંધિત નશાકારક કોડેઇન યુક્ત કફ સીરપની બોટલ મંગાવી છે તેવી બાતમીના આધારે ચાંગોદર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે જોગણી માતાની ડેરી પાસેથી નરોડાથી આવેલી ઇનોવા ગાડી (જીજે-૧૮-બીએ-૬૧૭૧)માંથી એફએસએલ અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન કોડેઈનયુક્ત કફસિરપની ૨૫૨૦ બોટલ મળી આવી હતી.
પોલીસે કફ સીરપની ૨૫૨૦ બોટલ (કિં.રૂ.૪,૧૫,૮૦૦), રોકડ (રૂ.૪૨,૦૦૦) ૩-મોબાઇલ (કિ.રૂ.૯,૦૦૦), એક ઇનોવા ગાડી (કિં.રૂ.૩,૫૦,૦૦૦
મળી કુલ મુદામાલ કિ.રૂ.૮,૧૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે માલ આપવા આવેલા (૧) પ્રદિપ પ્રમોદભાઇ કનોજીયા (હાલ રહે. પ્રેમસાગર સોસાયટી, નરોડા, અમદાવાદ) (૨) રાકેશકુમાર બુધાલાલ ગજેરા (ઉ.વ.૪૨, આકાર સોસાયટી, નિશાંત બંગ્લોઝની પાછળ, નિકોલ ગામ,અમદાવાદ)ને ચાંગોદર પોલીસે પકડી પાડયા હતા.
પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા બંને શખ્સો, સ્થળ પર હાજર નહીં મળી આવેલા (૧) સીજલો રસીકભાઈ ચુનારા (૨) ટીનો ઉર્ફે રાજેશભાઈ ચુનારા (બંને રહે. મટોડા ગામ) અને (૩) માલ આપનાર જસબીર શેખ રહે.દુધેશ્વર તથા તપાસમાં ખુલે તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



