गुजरात

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be levied from small traders at the fair at Santram Temple in Nadiad



– 30 જાન્યુઆરીથી શરૂ થતા મેળાની તડામાર તૈયારીઓ

– શહેરમાં પ્રવેશતા 3 મુખ્ય માર્ગો પર પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા, ત્યાંથી મંદિરે જવા સિટી બસની સુવિધા

નડિયાદ : નડિયાદ શહેરમાં શ્રદ્ધાના પ્રતિક સમાન સંતરામ મંદિરમાં આગામી મહા સુદ પૂનમના મેળા અને સાકરવર્ષા ઉત્સવને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા મેળા દરમિયાન રોડ પર બેસતા પાથરણાંવાળા કે નાના ફેરિયાઓ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ કે કર વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે શહેરના પ્રવેશદ્વારો પર જ પાકગની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં આગામી તા. ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબુ્રઆરી સુધી મહા સુદ પૂનમના લોકમેળાનું આયોજન થનાર છે. આ મેળાના સુચારૂ આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં નાના ધંધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ મુખ્ય સંતરામ માર્ગ પર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે, પરંતુ ત્યાં રોજગારી મેળવતા પાથરણાંવાળા પાસેથી આ દિવસો દરમિયાન તંત્ર કોઈપણ ચાર્જ વસૂલશે નહીં. 

તેમજ મેળામાં આવતા લાખો દર્શનાર્થીઓને કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે બહારગામથી આવતા વાહનોને શહેરની બહાર જ રોકી દેવામાં આવશે. આણંદ, પેટલાદ અને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો માટે પીપલગ ચોકડી અને કિડની સર્કલથી આગળ યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર અને પીપલગ રોડ પર પાકગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જ્યારે ડાકોર, અમદાવાદ અને ઉત્તરસંડા તરફથી આવતા વાહનો જુનુ હેલિપેડ ગ્રાઉન્ડ, ચેતક પાર્ટી પ્લોટ સામે અને સાઈબાબા મંદિર સામેના ઓપન પ્લોટમાં પાર્ક થશે. આ ઉપરાંત વસો, મહેમદાવાદ અને કઠલાલ તરફથી આવતા વાહનો માટે ન્યુ શોરોક ગ્રાઉન્ડ ખાતે પાકગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વની બાબત એ છે કે, આ તમામ પાકગ પોઈન્ટ પરથી શ્રદ્ધાળુઓને મેળાના સ્થળ સુધી પહોંચાડવા માટે મહાનગરપાલિકા દ્વારા સીટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો સતત ફેરા મારીને મુસાફરોને લાવવા લઈ જવાનું કામ કરશે. વહીવટી તંત્ર દ્વારા આ વખતે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા પશુપાલકો સાથે અગાઉથી જ બેઠક કરી લેવામાં આવી છે જેથી મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. રાત્રિના સમયે પણ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેથી ગંદકીના પ્રશ્નો ઉભા ન થાય.

મેડિકલ ઈમરજન્સી માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા

મેળામાં લાખોની ભીડ વચ્ચે જો કોઈ મેડિકલ ઈમરજન્સી સર્જાય તો તેવા સમયે એમ્બ્યુલન્સ કે વાહન ફસાઈ ન જાય તે માટે એક ખાસ ઈમરજન્સી રૂટ તૈયાર કરાયો છે. સરદાર બ્રિજથી વીકેવી રોડ થઈને સંતરામ મંદિરની પાછળના રોડ સુધીનો માર્ગ ઈમરજન્સી વાહનો માટે અનામત જેવો રહેશે. તંત્ર દ્વારા પારસ સર્કલ, મંદિર પરિસર અને અક્ષર મોટેલ એમ કુલ ૩ જગ્યાએ કામચલાઉ આરોગ્ય કેન્દ્રો પણ ઉભા કરાશે.

સુરક્ષા વ્યવસ્થા હાઈટેક બનાવાઈ

મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પરંપરાગત બંદોબસ્ત ઉપરાંત ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થશે. પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. મંદિર પરિસર પર એલસીબી અને એસઓજીની ટીમો વોચ રાખશે. નેત્રમ પ્રોજેક્ટ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થશે. નાગરિકોની મદદ માટે મંદિર, ઈપ્કોવાલા હોલ અને પોલીસ ચોકી પાસે ૩ પોલીસ સહાયતા કેન્દ્રો ૨૪ કલાક કાર્યરત રહેશે.

રાઈડ્સની ફિટનેસ ફરજિયાત, રાત્રે 11 વાગ્યે બંધ

મેળામાં આનંદ પ્રમોદ માટે આવતી રાઈડ્સમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે કડક વલણ અપનાવાયું છે. દરેક રાઈડ્સની મિકેનિકલ ફિટનેસ ચકાસ્યા બાદ જ તેને મંજૂરી આપવામાં આવી છે. આગ જેવી ઘટનાઓ રોકવા ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત કરાયા છે. તંત્રના આદેશ મુજબ રાત્રે ૧૧ વાગ્યે મેળાની તમામ રાઈડ્સ ફરજિયાતપણે બંધ કરી દેવી પડશે.



Source link

Related Articles

Back to top button