ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk submission of Form 7 before Election Commission

![]()
– મતદાર યાદીમાં છેડછાડનો આક્ષેપ
– કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને ફોર્મ સ્વીકારનાર અધિકારીઓ સામે પગલાની માંગ, આંદોલનની ચીમકી
આણંદ : મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં મતદારોના નામ કમી કરવા માટેના ‘ફોર્મ નંબર ૭’ જમા કરાવવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા રાજકીય પ્રભાવ હેઠળ કાવતરું રચાયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્ર મુજબ, મતદાર યાદીમાં વાંધા-સૂચનો માટેની છેલ્લી તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ હતી. પરંતુ ૧૬થી ૧૮ જાન્યુઆરી દરમિયાન અચાનક સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં ફોર્મ-૭ (નામ કમી કરવા માટેના ફોર્મ) રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાાતિ, ધર્મ અને વિરોધ પક્ષ તરફી મતદારોના નામ કાઢી નાખવા માટે આ ‘બલ્ક સબમિશન’ કરવામાં આવ્યું છે.
આવેદનમાં માગણી કરવામાં આવી છે કે, તા. ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ જે સરકારી કચેરીઓમાં જથ્થાબંધ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે, ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે. તેમજ કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી ફોર્મ સ્વીકારનાર અધિકારીઓ સામે ફોજદારી પગલાં લેવામાં આવે. તેમજ કોઈપણ મતદારનું નામ કમી કરતા પહેલા વાંધો ઉઠાવનાર વ્યક્તિ પાસે પુરાવા માંગવામાં આવે અને ત્યારબાદ જ બીએલઓ કે મતદારને નોટિસ પાઠવવામાં આવે. પૂરતા આધાર-પુરાવા વગરના તમામ ગેરકાયદેસર વાંધાઓને તાત્કાલિક ફગાવી દેવામાં આવે જેથી સાચા મતદારો મતાધિકારથી વંચિત ન રહે. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો ચૂંટણી પંચ દ્વારા આ બાબતે તટસ્થ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



