કનીજ, નેનપુર વચ્ચે મેસ્વો નદીનું વહેણ બદલી ગેરકાયદે બ્રિજ બનાવી ખનીજ ચોરીનું કૌભાંડ | Changing the flow of Meswo river between Kanij and Nenpur building an illegal bridge

![]()
– ખનીજ માફિયા બેફામ : ખાણ-ખનીજ વિભાગ, પોલીસ તંત્રના આંખ આડા કાન
– નેનપુર ગામની સહકારી મંડળીની જમીનમાં ખોદકામ શરૂ કરાતા રોષ, રજૂઆત કરનારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
નડિયાદ : મહેમદાવાદ તાલુકામાંથી પસાર થતી મેસ્વો નદીમાં રેતી અને માટી ચોરીનું કૌભાંડ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. કનીજ ગામના કેટલાક તત્વોએ નેનપુર અને કનીજ વચ્ચે વહેતી નદીમાં ગેરકાયદે રીતે પાઈપો નાખીને કાચો બ્રિજ બનાવી દીધો છે. આ બ્રિજ પરથી રાત્રિના સમયે ભારે વાહનો પસાર કરી નેનપુર સીમની જમીનોમાંથી ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ અને પોલીસને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે.
કનીજ ગામના કેટલાક ખનીજ માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વિના નદીના કુદરતી વહેણ સાથે ચેડાં કર્યા છે. ખનીજ માફિયાઓએ નદીની વચ્ચે સિમેન્ટની મોટી પાઈપો નાખી પાણીનો પ્રવાહ બદલી નાખ્યો છે અને તેના પર માટી પુરાણ કરી એક ગેરકાયદેસર કોઝવે જેવો બ્રિજ તૈયાર કરી દીધો છે. આ બ્રિજ બનાવવાનો મુખ્ય હેતુ સામે કાંઠે આવેલા નેનપુર ગામની હદમાંથી સરળતાથી ખનીજ ચોરી કરવાનો છે. નેનપુર ગામમાં મેસ્વો નદીના પટમાં નેનપુર સામુદાયિક સહકારી મંડળીની અંદાજે ૪૬ એકર જેટલી જમીન આવેલી છે. આ ઉપરાંત સર્વે નંબર ૧૪૭૭ વાળી જમીન પણ નદીના પટ વિસ્તારમાં આવે છે. કનીજ બાજુથી નદીમાં રસ્તો બનાવીને આવેલા તત્વોએ આ જમીનો પર રાત્રિના સમયે જેસીબી અને હિટાચી જેવા મશીનો ઉતારી દીધા છે. રાત પડતાની સાથે જ અહીં ડમ્પરો અને ટ્રકોની લાઈનો લાગે છે અને મોટા પાયે માટી તેમજ રેતીનું ખનન કરી ચોરી કરવામાં આવી રહી છે.
નેનપુર ગામના નાગરિકો અને આગેવાનોને આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ સ્થળ પર જઈને વિરોધ નોંધાવ્યો હતો અને ખનન અટકાવવાનો પ્રયાસ કર્યોે હતો. જોકે સામે પક્ષેથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આ મામલે નેનપુરના અરજદારો દ્વારા મહેમદાવાદ મામલતદાર કચેરી, સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં લેખિતમાં પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી ખાણ ખનીજ વિભાગની કોઈ ટીમ તપાસ માટે સ્થળ પર ડોકાઈ નથી, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. નદીમાં બનાવેલો ગેરકાયદેસર બ્રિજ તાત્કાલિક તોડી પાડવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી ગ્રામજનોમાં ઉઠી છે.



