વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની | Ajit Pawar Death: Last Rites Tomorrow in Baramati Thousands Gather for Final Tributes

Ajit Pawar Death News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના મેદાનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં હજારો સમર્થકો અને દિગ્ગજ નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11:00 વાગ્યે તેમના પૈતૃક ગામ કાટેવાડી ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના નેતાઓએ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચના મોત
- સવારે 08:18થી 08:45 : લેન્ડિંગની તે 27 મિનિટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રિપોર્ટ અનુસાર, અજિત પવારનું ચાર્ટર વિમાન (VT-SSK) મુંબઈથી બારામતી આવવા રવાના થયું હતું.
- સવારે 08:18 વાગ્યે વિમાને બારામતી એટીસી સાથે સંપર્ક કર્યો. ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી માત્ર 800થી 3000 મીટરની વચ્ચે હતી. પાયલોટે પ્રથમ પ્રયાસમાં રનવે ન દેખાતા લેન્ડિંગ રદ કર્યું હતું.
- સવારે 08:43 વાગ્યે પાયલોટે બીજા પ્રયાસ કરી રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી અને એટીસીએ મંજૂરી આપી હતી.
- સવારે 08:44 વાગ્યે વિમાન અચાનક હવામાં ગોથું ખાઈને જમીન પર પટકાયું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શામ્ભવી પાઠક, પીએસઓ વિદીપ જાધવ અને એટેન્ડન્ટ પિંકી માલીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન, આવતીકાલે અંતિમ યાત્રા
અજિત પવારના પાર્થિવ દેહને મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે, જેથી ગામના લોકો અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરી શકે. મોટી સંખ્યામાં ભીડ તેમના દર્શન માટે ઉમટી રહી છે. ગુરુવારે સવારે 09:00 વાગ્યે તેમની અંતિમ યાત્રા ગદિમા સભાગૃહથી શરૂ થશે. આ યાત્રા વિદ્યાનગરી ચોક, ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈને મુખ્ય મેદાન સુધી પહોંચશે, જ્યાં સવારે ૧૧:૦૦ વાગ્યે અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે.
VIDEO | Baramati: Ajit Pawar’s wife Sunetra Pawar with daughter-in-law Rutuja Patil at Vidya Pratishthan.#AjitPawarPlaneCrash #BaramatiCrash
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Nh0rqMNlZi
— Press Trust of India (@PTI_News) January 28, 2026

રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક
અજિત પવારના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. શરદ પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને હસન મુશ્રીફ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ બારામતી પહોંચી સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. અજિત પવારની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળ પરથી કરવામાં આવી હતી. તેમના નાના પુત્ર જય પવાર પાર્થિવ દેહ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. શરદ પવાર, સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર હોસ્પિટલ પહોંચતા જ અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈના મોતના સમાચારથી સુપ્રિયા સુલે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી : ‘આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.’
- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ : ‘દાદા હવે આપણી વચ્ચે નથી રહ્યા. મેં એક વિશાળ હૃદય ધરાવતા સાહસી મિત્રને ગુમાવ્યા છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક છે. આ મારી વ્યક્તિગત ક્ષતિ છે જે ક્યારેય ભરી શકાશે નહીં.’
- શરદ પવાર : ‘અજિત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુઃખી છે. આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે, તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ. મહારાષ્ટ્રએ આજે એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારેય ચૂકવી શકાશે નહીં.’
- પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી : ‘હું આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ છું. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ.’
- કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત : ‘એક અકસ્માતમાં આવા નેતાનું અચાનક ચાલ્યા જવું ખૂબ જ દુઃખદ છે. સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ આની તપાસ કરવામાં આવશે. અત્યારે શોકગ્રસ્ત પરિવાર સાથે ઊભા રહેવાનો સમય છે.’
- કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ : ‘આ ખૂબ જ દુઃખની વાત છે, અમે સ્વીકારી નથી શકતા કે તેઓ હવે નથી રહ્યા. DGCA અને AAIB ને એલર્ટ કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.’
બારામતીમાં સ્મારકનું નિર્માણ કરવાની જાહેરાત
નોંધનીય છે કે, તપાસમાં સામે આવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન સંપૂર્ણ રીતે ઉડાન ભરવા સક્ષમ હતું અને તમામ પ્રમાણપત્રો વેલિડ હતા. પાયલોટ સુમિત કપૂર પાસે 15000 કલાકથી વધુનો ઉડાન અનુભવ હતો. વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની ઊંડી તપાસ હાલ ચાલી રહી છે. અજિત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારકનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.


