ટૂંક સમયમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલની થઈ શકે છે જાહેરાત; તબક્કાવાર લાગુ કરવાનું આયોજન | india us trade deal update bharat america free trade agreement status

![]()
India US Trade Deal Update : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલા તણાવમાં હવે ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બંને દેશો વચ્ચે વાતચીતનો માહોલ અત્યંત સૌહાર્દપૂર્ણ છે અને ટૂંક સમયમાં કોઈ નક્કર પરિણામની આશા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો આ ટ્રેડ ડીલને ‘તબક્કાવાર’ (Phased manner) લાગુ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે.
આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે થોડા દિવસો પહેલા જ અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો હતો કે, ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી હોવાથી હવે ટેરિફ ઘટાડવાનો રસ્તો ખુલી શકે છે.
કૂટનીતિક સ્તરે ભારતની સફળતા
અધિકારીઓના નિવેદન પરથી સંકેત મળે છે કે ભારત કૂટનીતિક સ્તરે પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યું છે. વ્યાપાર વાર્તાને ગતિ આપવા માટે અમેરિકી વ્યાપાર પ્રતિનિધિના કાર્યાલય (USTR) તરફથી એક ઉચ્ચ સ્તરીય ટીમ ડિસેમ્બર 2025 માં ભારત આવી હતી. આ ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર રિક સ્વિટ્ઝર કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, “અમેરિકા સાથેની અમારી ચર્ચા ખૂબ જ સારા વાતાવરણમાં થઈ રહી છે અને બંને પક્ષો એકબીજાની ચિંતાઓને સમજી રહ્યા છીએ.”
પ્રથમ તબક્કાની સમજૂતી પર ધ્યાન
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત અને અમેરિકા હાલમાં સમગ્ર સમજૂતીને એકસાથે લાગુ કરવાને બદલે તેને અલગ-અલગ તબક્કામાં વહેંચવા પર વિચાર કરી રહ્યા છે. અત્યારે બંને દેશો સમજૂતીના ‘પ્રથમ ચરણ’ને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. આ તબક્કામાં એવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જેના પર બંને દેશોની સંમતિ સધાઈ ચૂકી છે, જેથી વ્યાપાર ક્ષેત્રે તુરંત રાહત મળી શકે.
એક વર્ષમાં બે વાર અમેરિકી દળની ભારત મુલાકાત
સપ્ટેમ્બર 2025 પછી અમેરિકી અધિકારીઓની આ બીજી ભારત મુલાકાત હતી. અગાઉ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ અમેરિકી દળ ભારત આવ્યું હતું. ટેરિફ અને પેનલ્ટી લાગુ થયા બાદ અમેરિકી ડેલિગેશનની આ સતત બીજી યાત્રા દર્શાવે છે કે વોશિંગ્ટન નવી દિલ્હી સાથેના આર્થિક સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે.
ભારત માટે આ ડીલનું મહત્વ
જો આ સમજૂતીનો પ્રથમ તબક્કો ઝડપથી પૂર્ણ થાય, તો તે ભારતીય નિકાસકારો માટે ‘સંજીવની’ સાબિત થશે. ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રો જે અત્યારે 50 ટકા જેટલા ઊંચા ટેક્સના બોજ હેઠળ દબાયેલા છે, તેમને અમેરિકી બજારમાં ફરીથી સ્પર્ધાત્મક બનવાની તક મળશે. આ ભારતની મોટી કૂટનીતિક જીત ગણાશે, કારણ કે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા (રશિયન ઓઈલ) સાથે સમાધાન કર્યા વગર અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં પગલું ભર્યું છે.


