યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ, જાણો યુવાનો કેમ ભુજ ભૂકંપનું સ્મૃતિ વન કે ભોપાલની ગેસ ટ્રેજેડીને યાદ કરવા જાય છે | dark tourism trend among indian youth why youngsters visiting tragic historical places

![]()
Dark Tourism: ભારતમાં પ્રવાસનની વ્યાખ્યા ધીમે ધીમે બદલાઈ રહી છે. પહેલાં પ્રવાસનો અર્થ આરામ, મોજ-મજા અને ફોટોગ્રાફી સુધી સીમિત હતો, પરંતુ હવે ખાસ કરીને યુવાનો માટે મુસાફરી એક આંતરિક અનુભવ બની રહી છે. તેઓ એવી જગ્યાઓ તરફ વળી રહ્યાં છે, જ્યાં ઇતિહાસ, દુઃખ, સંઘર્ષ અને માનવીય વેદનાની છાપ હોય. હા, આવા કોઈ સ્થળે જવાનું પણ યુવાનો પસંદ કરી રહ્યા છે કારણ કે, તેમનો પ્રવાસ ફક્ત મોજમજા માટે નહીં, પરંતુ કંઈ જાણવા-સમજવાનો પણ હોય છે. આ પ્રકારનો ટ્રેન્ડ ‘ડાર્ક ટુરિઝમ’ તરીકે ઓળખાય છે.
ડાર્ક ટુરિઝમ શું છે?
ડાર્ક ટુરિઝમ એટલે એવા સ્થળોની મુલાકાત, જે મૃત્યુ, દુર્ઘટના, યુદ્ધ, જાતિહિંસા કે માનવીય ભૂલોથી જોડાયેલા હોય. આવા સ્થળોએ પ્રવાસ મજા માટે નથી થતો, પરંતુ વિચાર, શીખ અને આત્મચિંતન માટે થાય છે. આવી જગ્યાઓ પ્રવાસીઓને જીવનની ક્ષણભંગુરતાનો પરિચય કરાવે છે, ઇતિહાસના કઠોર પ્રકરણની યાદ અપાવે છે અને સૌથી મહત્ત્વનું તમને સારા માણસ બનાવવામાં મદદરૂપ થાય છે.
આ પ્રકારનું પ્રવાસન વધવાના કારણ
પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં ડાર્ક ટુરિઝમ પ્રત્યે રસ સતત વધી રહ્યો છે. કોવિડ મહામારી પછી લોકો પ્રવાસને વધુ ગંભીર રીતે લઈ રહ્યા છે. તેઓ ફક્ત સ્થળો જોવા માટે નહીં, પરંતુ જે-તે સ્થળને સમજવા અને અનુભવવા માટે મુસાફરી કરે છે.
‘મેમેન્ટો મોરી’નો વિચાર વ્યાપક બની રહ્યો છે
‘મેમેન્ટો મોરી’ એક લેટિન વિચાર છે, જેનો અર્થ છે કે, ‘યાદ રાખો કે તમે નશ્વર છો.’ પ્રાચીન રોમમાં જ્યારે કોઈ સેનાપતિ ભવ્ય વિજય યાત્રા કાઢતો, ત્યારે તેની પાછળ ઊભેલો એક દાસ સતત બોલતો રહેતો- ‘મેમેન્ટો મોરી’, એટલે કે, ‘તુ આટલો મહાન બન્યો છે, તોય તું માનવી છે, નશ્વર છે.’ આ શબ્દો અહંકાર તોડવા અને વિનમ્રતા જાળવી રાખવા માટે બોલાતા હતા. વર્તમાન સમયમાં પણ ‘મેમેન્ટો મોરી’નો આશય મૃત્યુનો ભય પેદા કરવાનો નહીં, પરંતુ જીવનની ક્ષણભંગુરતાને સ્વીકારીને વધુ સચેત રીતે જીવવાનો છે. જ્યારે માણસને ખબર પડે છે કે સમય સીમિત છે, ત્યારે અહંકાર, લાલચ અને નાની ચિંતાઓનું મહત્ત્વ ઘટે છે તથા સંબંધો, અર્થપૂર્ણ કાર્યો તથા સાચી ખુશી પર ધ્યાન કેન્દ્રિત થાય છે. મેમેન્ટો મોરી આપણને યાદ અપાવે છે કે જીવન ટૂંકું છે, તેથી દરેક ક્ષણને સમજદારી અને સંવેદનશીલતાથી જીવવી જોઈએ.
ભારતના સૌથી પ્રચલિત ડાર્ક ટુરિઝમ સ્થળ
ભારતમાં એવા અનેક સ્થળો છે, જ્યાં ઇતિહાસની કડવી યાદોનો ભાર આજે પણ અનુભવાય છે. ભુજ ભૂકંપની યાદ અપાવતું સ્મૃતિ વન, અમૃતસરમાં જલિયાવાલા બાગ, દિલ્હીમાં ગાંધી સ્મૃતિ અને નિકોલ્સન કબ્રસ્તાન, લખનઉ રેસિડેન્સી, ભોપાલનો યુનિયન કાર્બાઇડ પ્લાન્ટ અને ‘રિમેમ્બર ભોપાલ’ મ્યુઝિયમ, તમિલનાડુના ટ્રાન્કેબાર જેવા ઘણાં સ્થળો પ્રવાસીઓમાં લોકપ્રિય છે.
‘ડાર્ક ટુરિઝમ’ 40 વર્ષથી ઓછી વયના લોકોમાં લોકપ્રિય
આ વલણ માત્ર ભારત પૂરતું સીમિત નથી. ન્યૂ યોર્કનું 9/11 મેમોરિયલ, જાપાનનું હીરોશિમા, કમ્બોડિયાનાં કિલિંગ ફિલ્ડ્સ અને જર્મનીના વિશ્વયુદ્ધ સમયનાં સ્મારકો વિશ્વભરમાં ડાર્ક ટુરિઝમના મુખ્ય કેન્દ્રો છે. વૈશ્વિક બજારમાં આ ક્ષેત્રનું મૂલ્ય અબજો ડોલરમાં છે અને આગળ પણ વધવાની શક્યતા છે. આ પ્રકારના પ્રવાસમાં મોટા ભાગે 25થી 40 વર્ષની વયના લોકો જોવા મળે છે. તેઓ ઘણીવાર એકલા અથવા નાના જૂથોમાં મુસાફરી કરે છે. ઘણાં લોકો માટે આ યાત્રા શૈક્ષણિક હોય છે, તો કેટલાક માટે ભાવનાત્મક. કેટલાકને પોતાના કુટુંબના ઇતિહાસ સાથે જોડાણ લાગે છે, તો કેટલાકને માનવ સંઘર્ષ સમજવાની તીવ્ર ઇચ્છા હોય છે. સ્થાનિક ડાર્ક ટુરિઝમ પ્રવાસ સામાન્ય રીતે ટૂંકા હોય છે અને ઓછા ખર્ચે પૂરી થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ત્રણથી સાત દિવસના હોય છે અને તેમાં નિષ્ણાત ગાઈડનો ખર્ચ વધુ થાય છે. આમ છતાં, આવા પ્રવાસીઓ અનુભવ માટે ખર્ચ કરવા તૈયાર હોય છે.
આ પણ વાંચો: 50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં
મોજ નહીં, પરંતુ મૌનની મજા અને અને જ્ઞાનનો હેતુ
પ્રવાસન ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે ડાર્ક ટુરિઝમ ક્યારેય સામૂહિક મોજનું સ્વરૂપ નહીં લે. આ યાત્રાઓમાં મજા કરતાં વધુ મૌન, આદર અને સંવેદનશીલતા હોય છે. મોટા ભાગના લોકો ફક્ત આવા સ્થળો માટે મુસાફરી કરતા નથી, પરંતુ તેમની સમગ્ર યાત્રાના એક મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે તેને જોડે છે. અહીં લોકો મૌનનું મહત્ત્વ સમજીને શ્રદ્ધા અને વિચાર સાથે જાય છે. ડાર્ક ટુરિઝમ ભારતની બદલાતી મુસાફરી માનસિકતાનું પ્રતિબિંબ છે. યુવા પેઢી હવે ફક્ત ફરવા નથી નીકળતી, પરંતુ જીવન, ઇતિહાસ અને પોતાને સમજવા માટે રસ્તો શોધે છે. આ પ્રવાસ તેમને હચમચાવે છે, પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે અને કદાચ વધુ સંવેદનશીલ માનવી બનાવે છે. હવે અનેક યુવાનો કોઈ લક્ઝુરિયસ હોટલ કે રિસોર્ટમાં જઈને ચાર દીવાલોમાં કેદ થઈને નશો કરીને સૂઈ જવા નથી માંગતા કારણ કે, તે તેમને નિરર્થક લાગે છે.



