गुजरात

ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય | Gujarat Govt Defers Cooperative Society Elections for 6 Months Due to SIR Work



Gujarat Cooperative Society Elections 2026 : રાજ્યમાં ચાલી રહેલી ‘SIR’ (Special Intensive Revision ) ની મહત્ત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં SIRની અત્યંત મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. આથી, વહીવટી સરળતા ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામાની મુખ્ય વિગતો

મુક્તિનો ગાળો: જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી 6 મહિના સુધી.

કાયદાકીય જોગવાઈ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961ની કલમ-161 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કલમ-74(ગ) અને કલમ-145(ક) થી (વ) ની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોને લાગુ પડશે?: એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓ જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે અથવા આગામી સમયમાં યોજાવાની હતી.

આ પણ વાંચો: ખંભાતના દરિયામાં ગેસની શોધ થઈ, ભારતના ઓફશોર ડેવલપમેન્ટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

કોને આ મુક્તિ લાગુ પડશે નહીં?

જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી હોય, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. એટલે કે, ન્યાયિક આદેશ વાળી ચૂંટણીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ નિર્ણયથી રાજ્યના સહકારી માળખામાં અને ચૂંટણીની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં મોટી અસર જોવા મળશે. મહેસૂલી તંત્ર હવે સંપૂર્ણપણે SIR ની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.





Source link

Related Articles

Back to top button