પારડીના રોહિણા ગામે પાંચ દિવસમાં બીજો દીપડો પકડાયો | Second leopard caught in five days in Rohina village of Pardi

![]()
પારડી તાલુકાના રોહિણા ગામે દિપમાળ ફળિયામાં દીપડો લટાર મારતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરૂ ગોઠવી પાંચ દિવસ અગાઉ પકડી પાડયા બાદ આજે બુધવારે આજ ફળિયામાં આવેલી વાડીમાં બીજો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પારડી નજીકના રોહિણા ગામે છેલ્લા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા દીપમાળ ફળિયામાં અઠવાડીયા અગાઉ પાંજરૂ ગોઠવ્યું હતું. પાંચ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હજુ બીજો દીપડો દિપમાળ ફળિયામાં જ ફરતો હોવાની વાતને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે પારડી વન વિભાગને જાણ કરાયા બાદ અજીતભાઈ દેવાભાઈ પટેલની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું. આજે બુધવારે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો.
દીપડો પાંજરો પુરાયો હોવાની વાત ફેલાતા સરપંચ સહિત લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગના અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચી લગભગ દોઢ વર્ષના દીપડાનો કબજો લઈ ખડકી સ્થિત નર્સરીમાં ખસેડાયા બાદ પશુ ચિકિત્સક દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઝબ્બે કરાયેલા દીપડાને જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત આદરી છે. રોહિણા ગામે એકજ ફળિયામાં માત્ર પાંચ દિવસમાં બે દીપડા પકડાયા હતા.


