‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાઇલટ અને ATC વચ્ચે વાત થઈ હતી, તપાસના શરૂ | Ajit Pawar Plane Crash Union Civil Aviation Minister Ram Mohan Naidu ATC Baramati

![]()
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે, આ રિપોર્ટમાં વિમાન ક્રેશ થયું તે પહેલાની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિમાન દુર્ઘટના અંગે કહ્યું છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે વિમાનને ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી.
ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દુર્ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સવારે 8:48 કલાકે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ઓછી હતી, DGCA અને AAIBની તપાસ ટીમ કારણ શોધી રહી છે. લેન્ડિંગ પહેલા ATC બારામતી સાથે થયેલા સંપર્કમાં પાઈલટે કહ્યું હતું કે રનવે દેખાઈ રહ્યો નથી. રનવે સાફ ન દેખાતા વિમાન હવામાં ચક્કર ખાઈ રહ્યું હતું. બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરાયો, ત્યારે પણ વિઝિબિલિટી ન હતી. જે બાદ પાઈલટે ફરી લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પહેલા પાઈલટની તરફથી ATCના સવાલનો જવાબ મળ્યો નહીં, પણ થોડા સમય બાદ રનવે સાફ દેખાઈ રહ્યો છે તેવી વાત થઈ હતી. જે બાદ ATCએ લેન્ડિંગ માટે સંમતિ આપી હતી. બાદમાં અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી વિમાન ક્રેશ થઈ ગયું, સમગ્ર ઘટનાક્રમની ઉંડી તપાસ ચાલી રહી છે.
લેન્ડિંગ પહેલા શું થયું હતું, દુર્ઘટના પહેલાની સમગ્ર ઘટનાનું વર્ણન
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 8:18 વાગ્યે વિમાન (VI-SSK) એ બારામતી એરપોર્ટ સાથે પ્રથમ સંપર્ક કર્યો હતો.
ખરાબ વિઝિબિલિટી
જ્યારે વિમાન એરપોર્ટથી 30 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે પાઇલટે હવાની ગતિ અને વિઝિબિલિટી વિશે પૂછપરછ કરી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે વિઝિબિલિટી માત્ર 3000 મીટર છે.
પ્રથમ પ્રયાસ
પાઇલટે રનવે 11 પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ રનવે દેખાતો ન હોવાથી લેન્ડિંગ રદ કરી વિમાન ફરી હવામાં લીધું હતું.
બીજો પ્રયાસ અને અકસ્માત
પાઇલટે ફરીથી લેન્ડિંગની કોશિશ કરી. સવારે 8:43 વાગ્યે પાઇલટે રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી અને એરપોર્ટ સ્ટાફ દ્વારા લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી.
એક મિનિટમાં જ સર્જાયો કાળો કહેર
લેન્ડિંગની મંજૂરી મળ્યા બાદ પાઇલટ તરફથી કોઈ વળતો સંદેશ મળ્યો ન હતો. બરાબર એક મિનિટ પછી, એટલે કે 8:44 વાગ્યે, એરપોર્ટ કર્મચારીઓએ રનવે 11 પાસે આગની જ્વાળાઓ જોઈ. તપાસમાં વિમાનનો કાટમાળ રનવેની ડાબી બાજુએ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.
5 લોકોએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો: અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ
આવતીકાલે સવારે 11 વાગ્યે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે
વડાપ્રધાન મોદીએ શરદ પવાર જોડે વાતચીત કરીને તેમને સાંત્વના આપી હતી. આ સાથે અજિત પવારની આવતીકાલે 29 જાન્યુઆરીના રોજ 11 વાગ્યે અંતિમવિધિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ અજિત પવારની ઓળખ
આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. આ સ્થિતિમાં અજિત પવારની ઓળખ કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ હતી.
