વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે | Roads at 5 junctions in vadodara including Golden Junction will be closed for vehicle

![]()
Vadodara Road Closure : વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ પાંચ સ્થળોએ ડ્રેનેજની કામગીરીને ધ્યાનમાં રાખી રસ્તા બંધ કરી ડાયવર્ઝન આપવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ગોલ્ડન જંકશન સહિત શહેરના પાંચ જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે હાલમાં કપૂરાઈ જંકશનથી નવી વરસાદી ગટર અંગે આજથી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરની સગવડ, ટ્રાફિકની સરળતા માટે જરૂર પ્રમાણે એક લેન ચાલુ રખાશે
વડોદરા કોર્પોરેશન તંત્રને રાતોરાત સ્વપ્ન આવે કે વડોદરાનો કોઈ ચોક્કસ રસ્તો હજી ખાડા ખોદ્યા વિનાનો છે. જેથી સવારે તરત જ જે તે વિસ્તારના રોડ રસ્તા ખોદી નાખવાનું તંત્ર દ્વારા કાર્ય શરૂ કરવામાં આવે છે એવી જ રીતે જાણે કે શહેરી વિકાસના કામો રાતોરાત કરી નાખવાના હોય એવી રીતે શહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવી વરસાદી ગટર નાખવા અંગે પ્રાથમિક તબક્કે કપુરાઈ જંકશન પર આજે, તા. 28થી આગામી 20 દિવસ સુધી વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે આ રસ્તો સિંગલ લેન અને જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ રહેતા વૈકલ્પિક ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરના મોટાભાગના રોડ રસ્તા કોઈપણ કારણોસર ખોદી નાખવામાં આવ્યા છે. જેમાંથી અંતરિયાળ રસ્તા ય બાકાત રાખવામાં આવ્યા નથી. આ ઉપરાંત હજી પણ જે રોડ રસ્તા ખોદી નાખવાના બાકી છે એવા રસ્તા પણ ગમે તે કારણોસર તંત્ર દ્વારા ખોદી નાખવાનું ચાલુ રહ્યું છે ત્યારે, શહેરના ગોલ્ડન જંકશન, આજવા જંક્શન, કપુરાઈ જંકશન, વાઘોડિયા જંકશન અને તરસાલી જંકશન પર નવી વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટર) નાખવા અંગે કોન્ટ્રાક્ટરને હેવી મશીનરી, મજૂરો- કારીગરોની હેરફેર માટે આ જંકશન પર વૈકલ્પિક રૂટમાં ડાયવર્ઝન કરાયું છે. જેમાં પ્રાથમિક તબક્કે કપુરાઈ જંકશન પર આજે, તા.28, જાન્યુઆરીથી આગામી 20 દિવસ સુધી આ રોડ રસ્તો સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ રહેશે જેથી વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.



