વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા | Maharashtra Deputy CM Ajit Pawars last post before the plane crash see who he remembered

Ajit Pawar Last Post: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું આજે વિમાન દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. અજિત પવાર મુંબઈમાં કેબિનેટ બેઠકમાં સામેલ થયા બાદ એક પ્રાયવેટ કંપનીના ચાર્ટર્ડ વિમાનથી બારામતી માટે રવાના થયા હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બારામતી ઍરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે અજિત પવાર પૂણે જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમો માટે બારામતી પહોંચ્યા હતા.
અજિત પવારે દુર્ઘટનાથી થોડી જ ક્ષણો પહેલા આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા હતા
પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અજિત પવારને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ અજિત પવારે દુર્ઘટનાની થોડી જ મિનિટો પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા.

અજિત પવારે આ પોસ્ટ બુધવાર(28 જાન્યુઆરી)ના રોજ સવારે 8:57 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રચારક, ‘પંજાબ કેસરી’ લાલા લજપત રાયજીને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે આપણા દેશની સ્વતંત્રતા માટે બધું જ બલિદાન કરી દીધું! તેમની દેશભક્તિ હંમેશા આપણને પ્રેરણા આપતી રહેશે.’
રનવે પર લેન્ડિંગ દરમિયાન સર્જાઈ હતી દુર્ઘટના
રનવે પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને વિમાન બળીને ખાખ થઈ ગયું હતું. વિમાનમાં સવાર કુલ પાંચ લોકોના મોત થયા છે. DGCAએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં અજિત પવાર પણ હતા. જોકે, આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ, તેની પાછળ કયા કારણો જવાબદાર હતા, તે અંગે હજુ સુધી પ્રાથમિક માહિતી સામે નથી આવી.
અજિત પવારની રૅકોર્ડબ્રેક કારકિર્દી
મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર એવા નેતા તરીકે ઓળખાતા જેમને ક્યારેય સત્તાથી દૂર કરી શકાયા નથી. તેઓ 1991માં બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 1995થી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે બિરાજ્યા હતા, જે એક રૅકોર્ડ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે સિંચાઈ, ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન જેવા મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. મહારાષ્ટ્રના રાજકારણનો એક અત્યંત પ્રભાવશાળી અધ્યાય આજે આ રીતે અકાળે સમાપ્ત થયો છે.


