કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Journey: From Sharad Pawar’s Protege to Maharashtra’s Permanent Deputy CM

![]()
Ajit Pawar Political Journey: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ થયા બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી.
અજિત પવારની રાજકીય સફર
અજિત પવારે કાકા શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે બાદમાં તેમની કુશળતાથી NCPમાં તેમણે કાકા કરતાં પણ પોતાનું કદ વધાર્યું. 2022માં તેમણે કાકાનો સાથ છોડ્યો અને ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. વર્ષ 1982માં અજિત પવારનો રાજકારણમાં પ્રવેશ થયો. તે સમયે શરદ પવાર મહારાષ્ટ્રના મોટા નેતા બની ગયા હતા. અજિત પવારે એક સહકારી મંડળીના બોર્ડની ચૂંટણી લડી. તે પછી પૂણે સહકારી બૅન્કના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને 16 વર્ષ સુધી આ પદ પર રહ્યા.
કાકાની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા અજિત પવાર
વર્ષ 1991માં તેમણે પહેલીવાર બારામતીથી લોકસભા ચૂંટણી લડી અને વિજય મેળવ્યો. જોકે બાદમાં કાકા શરદ પવાર માટે બેઠક ખાલી કરી હતી, શરદ પવાર કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી બન્યા. શરદ પવાર દિલ્હી ગયા તો મહારાષ્ટ્રની કમાન અજિત પવારના હાથમાં સોંપી. જે બાદ અજિત પવારને જ શરદ પવારના વારસદાર માનવામાં આવ્યા. મહારાષ્ટ્રના રાજકારણમાં તેમણે ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી. 1995માં તેઓ પહેલીવાર બારામતીથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને તે પછી તો ક્યારેય પાછળ વળીને જોયું જ નથી. 1995, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024 એમ સતત તેઓ ધારાસભ્ય બનતા રહ્યા. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા તો અજિત પવાર 1992 અને 1993માં મંત્રી બન્યા.
45 વર્ષની રાજકીય સફરમાં તેઓ 1 વખત સાંસદ અને 7 વખત ધારાસભ્ય બન્યા. તેમને મહારાષ્ટ્રના રાજકારણમાં જ રસ હતો. તેમના નજીકના લોકો કહેતા કે તેમને દિલ્હી પસંદ નથી અને ત્યાં મંત્રી બનવામાં પણ રસ નથી. 1999માં કોંગ્રેસ અને શરદ પવારની NCP સત્તામાં આવી. વિલાસરાવ દેશમુખની સરકાર બની તો અજિત પવારને સિંચાઈ મંત્રી બનાવવામાં આવ્યા. સુશીલ કુમાર શિંદેની સરકારમાં તેમનું કદ વધ્યું.
સતત નાયબ મુખ્યમંત્રી પદ પર રહ્યા
વર્ષ 2019માં અજિત પવારની રાજકીય સફરમાં મોટો વળાંક આવ્યો. મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ કોઈ પણ એક પક્ષને બહુમતી નહોતી મળી. 23 નવેમ્બરે વહેલી સવારે અચાનક જ રાષ્ટ્રપતિ શાસન હટાવાયું અને ભાજપના ફડણવીસે મુખ્યમંત્રી તથા NCPના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા. ભાજપે શિવસેનાને બદલે NCP સાથે ગઠબંધન કરતાં રાજકારણમાં ભૂકંપ આવ્યો. જોકે આ કામમાં અજિત પવારને કાકા શરદ પવારનો સહકાર ન મળ્યો. બંને નેતાઓએ 80 જ કલાકમાં રાજીનામું આપવું પડ્યું. કાકા સામે બળવો કરનારા અજિત પવાર ફરી તેમની શરણે આવ્યા. NCP, શિવસેના અને કોંગ્રેસે ભેગા થઈ સરકાર બનાવી. અજિત પવારને ફરી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
અજિત પવાર વર્ષ 2010માં પહેલીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી 2012, 2019 અને 2023માં ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના રાજકારણમાં તેમને ‘પર્માનેન્ટ ડેપ્યુટી CM’ ( કાયમી નાયબ મુખ્યમંત્રી ) કહેવામાં આવતા હતા.
શરદ પવાર અને અજિત પવારના સંબંધોમાં ઉતાર ચઢાવ ( ટાઇમલાઇન )
1982 : શરદ પવારના માર્ગદર્શનમાં અજિત પવારે રાજકારણમાં પ્રવેશ કર્યો. સહકારી મંડળીઓમાં સક્રિય થયા.
1991 : શરદ પવારે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા ત્યારે અજિત પવારે તેમના માટે બારામતી લોકસભા બેઠક ખાલી કરી
1999 : શરદ પવારે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCPની રચના કરી. અજિત પવાર પણ મહત્ત્વની ભૂમિકામાં રહ્યા
2009 : શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેનો રાજકારણમાં પ્રવેશ થયો અને તેઓ લોકસભા સાંસદ બન્યા
2010-2014 : અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહ્યા. આ સમયે તેમના પર કૌભાંડના આક્ષેપો લાગ્યા
2019 (મે) : લોકસભા ચૂંટણીમાં અજિત પવારના પુત્ર પાર્થ પવારનો પરાજય થયો. એવું કહેવાય છે કે શરદ પવાર પાર્થને ટિકિટ આપવાના પક્ષમાં જ નહોતા. જેનાથી અજિત પવાર નારાજ હતા
નવેમ્બર, 2019 : 23 તારીખે વહેલી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી જ્યારે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. જોકે શરદ પવારે જાહેર કર્યું કે NCP ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. 80 જ કલાકમાં અજિત પવાર ફરી કાકા શરદ પવાર સાથે જોડાઈ ગયા. બંનેએ પદથી રાજીનામું આપવું પડ્યું.
2022 : શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કરતાં કોંગ્રેસ, શિવસેના અને NCP ગઠબંધનની સરકાર પડી ગઈ. અજિત પવાર વિપક્ષના નેતા બન્યા.
2 જુલાઈ, 2023 : અજિત પવાર NCPના મોટા ભાગના ધારાસભ્યો સાથે શિંદે અને ભાજપની સરકારમાં જોડાઈ ગયા અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. પક્ષમાં બળવા બાદ કહ્યું કે શરદ પવારે હવે નિવૃત્ત થઈ જવું જોઈએ.
ફેબ્રુઆરી 2024 : ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી NCPની માન્યતા આપી અને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન પણ આપ્યું.
શરદ પવારે તેમના જૂથનું નામ NCP (શરદચંદ્ર પવાર) રાખ્યું
2024 લોકસભા ચૂંટણી : બારામતી બેઠક પર સુપ્રિયા સુલે સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડ્યા, સુપ્રિયા સુલેની જીત થઈ.


