दुनिया

ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી વધી, અબજોના વેપારને મળશે પડકાર | India EU trade deal increases Bangladeshs problems billions of dollars in trade will challenges



India-EU Trade Deal: ભારત અને ઈયુ વચ્ચે મંગળવારે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર ‘FTA’ થઈ ગયો, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓ ઉર્સુલા વોન ડેર લેયને અને ઓન્ટેનિઓ કોસ્ટાએ ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી હતી. વૈશ્વિક તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત અને ઈયુ વચ્ચે FTA માટે દાયકાઓથી અટકી અટકીને ચાલતી વાટાઘાટોનો આખરે અંત આવ્યો છે. આ વેપાર કરાર બંને પક્ષોને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક રક્ષણ પૂરું પાડશે. આ કરાર હેઠળ ભારતનો 93 ટકા સામાન ઈયુમાં ડયુટી ફ્રી થશે જ્યારે ઈયુના 90 ટકા સામાન પર ઈમ્પોર્ટ ડયુટી સમાપ્ત થઈ જશે અથવા ઘટી જશે, જેને પગલે બંને પક્ષો વચ્ચેનો વેપાર 2031 સુધીમાં 51 અબજ ડોલર (રૂ. 4.68 લાખ કરોડ) સુધી પહોંચવાનો અંદાજ છે. આ કરારથી ભારત અને ઈયુની ચીન અને અમેરિકા પરની નિર્ભરતા ઘટી જશે.

આ કરાર બાદ ભારતીય કાપડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે મોટી તકો ખુલતી દેખાઈ રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે કહ્યું હતું કે, આ કરારથી ભારતના ટેક્સટાઈલ નિકાસમાં મોટો ઉછાળો આવી શકે છે અને આ સેક્ટર ટૂંકા ગાળામાં વર્તમાન 7 અબજ ડોલરથી વધીને 30થી 40 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે. તેનાથી આ શ્રમ-પ્રધાન ક્ષેત્રમાં 60-70 લાખ નવી નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે.

ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી વધી

પીયૂષ ગોયલે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, ‘ઘણીવાર એ સવાલ પૂછવામાં આવતો હતો કે, ટેક્સટાઈલ નિકાસમાં બાંગ્લાદેશ ભારતથી આટલો આગળ કેમ છે. તો વાસ્તવમા બાંગ્લાદેશ એક ‘ઓછો વિકસિત દેશ’ (LDC) છે, તેથી તેને યુરોપિયન બજારમાં ઝીરો ડ્યુટીનો લાભ મળે છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશે EUના 250 અબજ ડોલરના કાપડ બજારમાંથી 30 અબજ ડોલર પર કબજો જમાવી લીધો છે. ભારત હાલમાં માત્ર 7 અબજ ડોલરની નિકાસ કરે છે અને ભારતીય માલ પર 12% સુધીની ડ્યુટી લાગે છે. આ FTA લાગુ થતાની સાથે જ ભારત ડ્યુટીના મામલે બાંગ્લાદેશની સમકક્ષ આવી જશે, જેનાથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધા કરવાનું સરળ બનશે.’

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી કૃષિ પછી બીજુ સૌથી મોટું રોજગાર આપનારું ક્ષેત્ર છે, જેમાં લગભગ 4 કરોડ લોકો કામ કરે છે. વર્તમાનમાં ભારત યુરોપિયન યુનિયનને વાર્ષિક લગભગ 7 અબજ ડોલરના ટેક્સટાઈલ અને એપરલની નિકાસ કરે છે, જેના પર 12% સુધીની ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવામાં આવે છે. FTA અમલમાં આવ્યા પછી આ ઈમ્પોર્ટ ડ્યૂટી સમાપ્ત થઈ જશે, જેનાથી ભારતની નિકાસમાં ઝડપી વધારો થઈ શકે છે.  

કરારનો દાયરો અને પ્રથમ દિવસથી લાભ

પીયૂષ ગોયલે કહ્યું કે, આ કરાર હેઠળ ભારતીય માલસામાનને અભૂતપૂર્વ બજાર પહોંચ મળશે. આ કરાર EU માં ભારતની કુલ નિકાસના આશરે 99% અને ભારતમાં EU નિકાસના 97%ને કવર કરી લે છે. ટેક્સટાઈલ, એપરલ, ગૃહ સજાવટ અને ફર્નિશિંગ જેવા ક્ષેત્રો જેમાં શ્રમિકોનો હિત સર્વોપરી છે, તેમને પહેલા દિવસથી જ ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે. વર્તમાનમાં યુરોપિયન બજારમાં ભારતનો હિસ્સો ખૂબ ઓછો છે (માલસામાનમાં 1.5% અને સેવાઓમાં 2.5%), જે હવે ઝડપથી વધવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે ટ્રેડ ડીલ કરી ટૅરિફ ઝીંકનારા ટ્રમ્પને કડક મેસેજ

કાર્બન ટેક્સનો પડકાર અને સમાધાન

આ કરારમાં આધુનિક નિયમનકારી પડકારો ખાસ કરીને યુરોપિયન યુનિયનના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે, CBAM એક હોરિઝોન્ટલ રેગ્યુલેશન છે જે વિશ્વભરના તમામ ભાગીદાર દેશોને લાગુ પડે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે એક તકનીકી સંવાદ સ્થાપિત કરવામાં આવશે. ભારતીય એજન્સીઓને યુરોપિયન ધોરણો અનુસાર ભારતમાં કાર્બન ઉત્સર્જન ચકાસવા માટે માન્યતા આપવામાં આવશે. બંને પક્ષો તકનીકી પ્રક્રિયાઓ પર સહયોગ કરશે જેથી ખાતરી કરી શકાય કે ભારતીય નિકાસકારોને યુરોપમાં ઉપયોગમાં લેવાતી માપન પદ્ધતિઓમાં કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.



Source link

Related Articles

Back to top button